નવી દિલ્હી:ભારતે બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં દુર્ગા પૂજા પંડાલ પર હુમલો અને સતખીરાના જેશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરીની ઘટનાને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે. ભારતે હિન્દુ સમુદાય સામેની આ અમાનવીય ઘટનાઓની નિંદા કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત, બાંગ્લાદેશ સરકારને હિંદુઓ અને તેમના પૂજા સ્થાનો સહિત તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે ઢાકાના તાંતીબજારમાં પૂજા પંડાલ પર થયેલા હુમલા અને સતખીરાના પ્રતિષ્ઠિત જેશોરેશ્વરી કાલી મંદિરમાં ચોરીની ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટનાઓ નિંદનીય છે. તે મંદિરો અને દેવતાઓને અપવિત્ર કરવા અને નુકસાન પહોંચાડવાની સુનિયોજિત પેટર્નને દર્શાવે છે, જેને અમે પાછલા ઘણા દિવસોથી જોઈ રહ્યા છીએ."
હિંદુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા માટે આહ્વાન કરતા જયસ્વાલે કહ્યું, "અમે બાંગ્લાદેશ સરકારને વિનંતી કરીએ છીએ કે હિંદુઓ અને તમામ લઘુમતીઓ તેમજ તેમના પૂજા સ્થાનોની સુરક્ષા સુનિશ્ચિત કરે, ખાસ કરીને આ પવિત્ર તહેવાર દરમિયાન."
દુર્ગા પૂજા પંડાલમાં ફેંકાયા 'ક્રૂડ બોમ્બ'
વિદેશ મંત્રાલયનું આ નિવેદન જૂના ઢાકાના તાંતીબજાર વિસ્તારમાં દુર્ગા પૂજા પંડાલમાં 'ક્રૂડ બોમ્બ' ફેંકવાની ઘટના બાદ આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોમ્બ ફેંકાયા બાદ પંડાલમાં નાની આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. રિપોર્ટ અનુસાર, પોલીસે કાચની બોટલમાં પેટ્રોલ ભરીને બનાવેલો બોમ્બ કબજે કર્યો છે.
આ ઘટના શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) બની હતી. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, પૂજા પંડાલની બાજુમાં આવેલી ગલીમાંથી કેટલાક યુવકોએ બોટલો ફેંકી હતી. જ્યારે સ્વયંસેવકો હુમલાખોરોની પાછળ દોડ્યા ત્યારે તેમના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે.
પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હતી
દરમિયાન, પૂજા પંડાલ પર હુમલા બાદ, ઢાંકા મેટ્રોપોલિટન પોલીસ (ડીએમપી) ની ડિટેક્ટીવ બ્રાન્ચ (ડીબી) ના એડિશનલ કમિશનર રેઝાઉલ કરીમ મલિકે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પત્રકારો સાથે વાત કરતા મલિકે જણાવ્યું હતું કે, લૂંટની ઘટનાની આસપાસ આ હુમલો થયો હતો. ઘટનાસ્થળેથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
- દિલ્હીનું આ 'રાવણ દહન' VIP છે...! રાષ્ટ્રપતિ અને PM મોદી આપશે હાજરી, બોલિવૂડ સ્ટાર્સ પણ આવશે
- રશિયામાં વિચિત્ર કાર અકસ્માતમાં MBBSનો અભ્યાસ કરતી ભારતીય વિદ્યાર્થિનીનું કરુણ મોત