મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે બુધવારે બદલાપુર સ્કૂલ જાતીય સતામણી કેસમાં મૃતક આરોપી અક્ષય શિંદેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. અરજીમાં તેણે પુત્રના એન્કાઉન્ટરની તપાસની માંગ કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા.
બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, તેને એન્કાઉન્ટર ન કહી શકાય કારણ કે સામાન્ય માણસ ગોળી ચલાવી0 શકતો નથી. પોલીસ આરોપીને ગોળી મારવાને બદલે કાબૂમાં રાખી શકી હોત. આવી સ્થિતિમાં, આ ઘટના પ્રથમ દૃષ્ટિએ અસ્પષ્ટ લાગે છે. કોર્ટે વધુમાં કહ્યું કે આ મામલાની તપાસ સ્વતંત્ર એજન્સી દ્વારા થવી જોઈએ.
કોર્ટે કહ્યું, "એકવાર તેણે જ્યારે પહેલું ટ્રિગર દબાવ્યું પછી અન્ય લોકો તેના પર સરળતાથી કાબુ મેળવી શકતા હતા. તે કોઈ બહુ મોટો કે મજબૂત વ્યક્તિ નહોતો. આ સ્વીકારવું ખૂબ મુશ્કેલ છે. આને એન્કાઉન્ટર ન કહી શકાય."
બાળ સુરક્ષાની તપાસ માટે રચાયેલી સમિતિની પ્રગતિ અંગે નિરાશા
અગાઉ, બોમ્બે હાઈકોર્ટે શાળાઓમાં બાળ સુરક્ષાની તપાસ માટે રચાયેલી સમિતિ દ્વારા પ્રગતિના અભાવ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. મુખ્ય સરકારી વકીલ હિતેન વેણેગાંવકર બુધવારે જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને પૃથ્વીરાજ ચવ્હાણની બેંચ સમક્ષ હાજર થયા, જ્યાં બેન્ચે કહ્યું કે સમિતિના કોઈપણ સભ્યોને તેમની જવાબદારીઓ અંગે હાઈકોર્ટનો કોઈ વિગત કે આદેશ મળ્યો નથી.