મુંબઈ: ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કરનાર વ્યક્તિની આખરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે આ ગુનો શા માટે કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુખ્ય આરોપીની હિરાનંદાની એસ્ટેટ, થાણેમાંથી ધરપકડ કરી હતી. હુમલાખોરનું નામ વિજય દાસ હોવાનું કહેવાય છે. તે એક રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરે છે.
પોલીસ આજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લઈ શકે છે. પોલીસ તેની પૂછપરછ કરીને ઘટનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરશે. ઘણા મોટા પ્રશ્નો છે જે જાણવા પોલીસ માટે પડકારરૂપ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ હાલમાં તેની પૂછપરછ કરી રહી છે અને આ ઘટનાની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે.
જ્યારે ફિલ્મ કલાકારોના ઘરે સુરક્ષા ખૂબ જ ચુસ્ત હોય છે ત્યારે આરોપીએ આ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો? અભિનેતાના પોતાના બાઉન્સર છે, તો તે મોટા અભિનેતાના બેડરૂમમાં કેવી રીતે પહોંચી શકે. પોલીસ હવે આ ઘટનામાં અન્ય કોણ સંડોવાયેલ છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. હુમલા પાછળ તેનો ઈરાદો શું હતો? તે કેટલા સમયથી હુમલાની યોજના બનાવી રહ્યો હતો? એવા ઘણા પ્રશ્નો છે જેની તપાસ કરવાની જરૂર છે.
તમને જણાવી દઈએ કે, સૈફ અલી ખાન પર મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસીને તેના પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ 6 જગ્યાએ ઘાયલ થયો હતો. તેઓ સૂતા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રે લગભગ 2.30 વાગે તેમના પર હુમલો થયો હતો. ઘટના બાદ હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સૈફ અલી ખાન પોતે કોઈક રીતે ઓટો દ્વારા ઈજાગ્રસ્ત હાલતમાં મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો.
અપડેટ ચાલું છે....