નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બે રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો હાલમાં આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય પાસે હિંસાગ્રસ્ત મણિપુરનો વધારાનો હવાલો છે. જ્યારે પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
ત્રણ રાજ્યોના વર્તમાન રાજ્યપાલોની બદલી:રાષ્ટ્રપતિ ભવને ગઈ કાલે એક પ્રેસ રિલીઝમાં રાજ્યપાલોની નિમણૂક વિશે માહિતી આપી હતી. જે મુજબ ત્રણ રાજ્યોના વર્તમાન રાજ્યપાલોની બદલી કરવામાં આવી છે. ઓડિશાના વર્તમાન રાજ્યપાલ રઘુબર દાસના સ્થાને મિઝોરમના વર્તમાન રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને હવે ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. દાસને રાજ્યપાલ પદેથી મુક્ત કરવામાં આવ્યા છે.
આ જ રીતે, બિહારના વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે કેરળના વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન હવે બિહારના રાજ્યપાલની જવાબદારી સંભાળશે.