ઉત્તરપ્રદેશ : તાજાનગરી આગ્રામાં 4 દિવસમાં 353.5 mm વરસાદ નોંધાયો છે. આ સાથે છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે, હાઇવે પર પણ પાણી પહોંચી ગયા હતા. સાથે જ તાજમહેલ, આગ્રાનો કિલ્લો, બેબીતાજ, ફતેહપુર સીકરી, રામબાગ જેવી ઐતિહાસિક ઈમારતોને પણ વરસાદી પાણીના કારણે ઘણું નુકસાન થયું છે. મંગળવાર, બુધવાર અને ગુરુવારે વરસાદને કારણે તાજમહેલના બગીચાઓમાં પાણી ભરાઈ ગયા હતા.
તાજમહેલમાં પાણી ટપકયું :આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ તાજમહેલ પહોંચી અને તપાસ કરી હતી. વરસાદ દરમિયાન તાજમહેલના મુખ્ય મકબરામાં ઘણી જગ્યાએથી પાણી ટપકતું હતું. ASI અધિકારીઓના જણાવ્યા અનુસાર, પિત્તળના કળશથી મકબરા પર પાણી ટપકતું હતું. કળશની સ્થાપનામાં ઘણા સાંધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમને કાટ લાગ્યો હોવાની શક્યતા છે. સપાટી સૂકાયા પછી ગ્રાઉટિંગ અને પેકિંગ કરવામાં આવશે. બીજી તરફ યમુનાના વધતા જળ સ્તરને કારણે તાજમહેલના પાયાના કુવા પર રાખવામાં આવેલા સાલના લાકડાને જીવન મળ્યું છે.
સ્મારકોની તપાસમાં લાગી ASI ટીમ :ASI ના અધિક્ષક પુરાતત્વવિદ્ ડો. રાજકુમાર પટેલ તાજમહેલના વરિષ્ઠ સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયી અને એન્જિનિયરોની ટીમ સાથે શુક્રવારે તાજમહેલની છત લીક થવાની સમસ્યાની તપાસ કરી હતી. ASI ટીમે તે જગ્યા શોધી કાઢી હતી, જ્યાંથી તાજમહેલમાં પાણી ટપકતું હતું. પાણી લીકેજ થવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. તાજમહેલનો મુખ્ય મકબરો ડબલ ડોમ છે. ઉપરની છત પર પાણીના નિકાલ માટે સારી વ્યવસ્થા છે. પરંતુ સતત વરસાદને કારણે નીચેની છત પર પાણી આવી ગયા હતા. જેના કારણે મુમતાઝ અને શાહજહાંની કબરો પર ટીપા ટપક્યા હતા.
આગરા કિલ્લામાં પણ ભીનાશ :શુક્રવારના રોજ આગ્રા કિલ્લાના વરિષ્ઠ સંરક્ષણ સહાયક કલંદર બિંદે ટીમ સાથે મુસમ્મન બુર્જ, દીવાન-એ-આમ, મોતી મસ્જિદ, ખાસ મહેલ સહિત અન્ય સ્મારકોનું નિરીક્ષણ કર્યું. ASIની ટીમને આગરા કિલ્લાના ખાસ મહેલમાં ભીનાશ જોવા મળી હતી. બેબી તાજ, ફતેહપુર સીકરી, રામબાગ મેમોરિયલને પણ વરસાદી પાણીના કારણે નુકસાન થયું છે. ASI ની ટીમે તેની તપાસ કરી હતી. ગત વર્ષે પણ મુખ્ય ગુંબજની છત લીક થઈ હતી. તેનું સમારકામ કરવામાં આવ્યું છે. મસ્જિદ અને ગેસ્ટ હાઉસના ગુંબજમાંથી પાણી ટપકતું હતું. તેઓ વોટરપ્રૂફ બનવા માટે રચાયેલ છે.
1652 માં પહેલીવાર લીક થયો મુખ્ય ગુંબજ :પ્રેમના પ્રતિક અને વિશ્વની સાતમી અજાયબી તાજમહેલનો મુખ્ય ગુંબજ લીક થવાની અને પાણી ટપકવાની ઘણી વાર્તાઓ છે. વર્ષ 1652 માં પ્રથમ વખત મુખ્ય ગુંબજમાં પાણી લીકેજ થયું હતું. મુઘલ બાદશાહ શાહજહાંના રાજકુમાર ઔરંગઝેબે ડિસેમ્બર 1652 માં તાજમહેલની મુલાકાત લીધા બાદ શાહજહાંને એક પત્ર લખીને અહેવાલ આપ્યો હતો. ઔરંગઝેબે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે, વરસાદ દરમિયાન મુખ્ય મકબરાના ગુંબજની ઉત્તર બાજુએ બે જગ્યાએથી પાણી ટપકતું હતું. તાજમહેલના ચાર કમાનવાળા દરવાજા, બીજા માળની ગેલેરી, ચાર નાના ગુંબજ, ચાર ઉત્તરીય વરંડા અને સાત કમાનવાળા ભૂગર્ભ ચેમ્બર પણ ભીના થઈ ગયા છે.