શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે સાંજે નિયંત્રણ રેખા (એલઓસી) પર એક સૈન્યનું એક વાહન ખીણમાં પડી જતાં પાંચ સૈનિકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે કેટલાંક જવાનો ઈજાગ્રસ્ત થયા છે. દૂર્ઘટનાને લઈને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
આ સંદર્ભમાં વ્હાઇટ નાઈટ કોર્પે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પુંછ સેક્ટરમાં સેનાના વાહનની દુર્ઘટનામાં 5 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
દરમિયાન, White Knight Corpsના તમામ રેન્કોએ પુંછ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન વાહન અકસ્માતમાં પાંચ બહાદુર સૈનિકોના દુ:ખદ મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "આજે લગભગ 5.40 વાગ્યે, 11 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીનું એક સૈન્ય વાહન, જે નીલમ હેડક્વાર્ટરથી એલઓસી પર બલનોઈ ઘોરા પોસ્ટ તરફ જઈ રહ્યું હતું, ત્યારે ઘોરા પોસ્ટ નજીક અકસ્માતનો ભોગ બન્યું હતું."