દાદરામાં પેટ્રોલપંપના માલિક વિરુદ્ધ પેટ્રોલની હેરફેર મામલે VAT વિભાગે ફરિયાદ નોંધાવી - વેટ વિભાગની કાર્યાવાહી
🎬 Watch Now: Feature Video
સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં દાદરા ગામે આવેલા કૃષ્ણા પેટ્રોલિયમ પર વેટ (VAT) વિભાગે તપાસ હાથ ધરી સેલવાસ કલેક્ટરની સૂચનાથી પેટ્રોલનો 10 હજાર લિટરનો જથ્થો સગેવગે કરવાની ફરિયાદ નોંધી છે. કૃષ્ણા પેટ્રોલિયમના માલિક દ્વારા પેટ્રોલ-ડીઝલનો જથ્થો નિયમ વિરુદ્ધ અન્યત્ર સગેવગે કરાતો હોવાની તંત્રને વિગતો મળી હતી. જે બાદ સેલવાસ કલેક્ટરના આદેશ હેઠળ વેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વેટ વિભાગન ટીમે પેટ્રોલપંપ પર દરોડા પાડી ચાર કલાક સુધી તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, જુલાઈ-ઓગસ્ટ મહિનાના પેટ્રોલપંપ પરના ઓટોમેશન સેલ અને રજીસ્ટર સેલમાં અંદાજિત 10 હજાર લીટર પેટ્રોલિયમનો તફાવત છે. જેને ધ્યાને રાખી વેટ વિભાગે પેટ્રોલિયમ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ સેક્શન-7 હેઠળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે કલેક્ટર સંદીપ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, ફરિયાદ આધારે કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. જ્યારે માલિક કિરણસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ સગેવગે કરવાનો આરોપ ખોટો છે. ખરેખર તો આ ટેક્નિકલ કારણ છે. જેમાં જે ઘટ વર્તાઈ છે તે દૈનિક વપરાશની છે. પરંતુ જે સ્ટાફે જથ્થાના રેકોર્ડ તપસ્યા છે તે નોનટેક્નિકલ સ્ટાફ હોવાથી ભૂલ આવી છે.