તલાલા: આફ્રિકાથી ગીરમાં આવીને વરસેલા સીદી આદિવાસીઓનું 'હીર' એટલે પદ્મશ્રી હીરબાઈ બેન લોબીનું માંદગીના કારણે અવસાન થયું. આફ્રિકાથી ગીરમાં સ્થાપિત થયા બાદ સીદી આદિવાસી સમાજની મહિલા અને બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે હિરબાઇબેન લોબીને વર્ષ 2023માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આજે બીમારી સબબ તેમનું નિધન થતા તાલાલા પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે પદ્મશ્રી હીરબાઈ બેનને અંતિમ વિદાય આપી હતી.
પદ્મશ્રી હીરબાઈ બેન લોબીનું નિધન
સમગ્ર ગુજરાતના સીદી આદિવાસીઓ માટે ખૂબ જ જુસ્સા અને ઉમળકા સાથે કામ કરનાર જાંબુરના હીરબાઈ બેન લોબીનું આજે માંદગી બાદ અવસાન થયું છે. તાલાલા તાલુકાના જાંબુર ગામમાં આજે પુરા સન્માન સાથે તાલાલા પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપીને પદ્મશ્રી હીરબાઈ બેન લોબીને અંતિમ વિદાય આપી હતી. આ વિસ્તારના સીદી આદિવાસી અને ખાસ કરીને મહિલા અને બાળકોના ઉત્થાન માટે હિરબાઈ બેન લોબીના કામને ધ્યાને રાખીને તેમને 2023 માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમનું આજે નિધન થતા સમગ્ર સોરઠ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મહિલા અને બાળકોના વિકાસ માટે હિરબાઈનું યોગદાન
આફ્રિકાથી ગીરમાં મજૂરી અને જંગલની રખેવાળી માટે આજથી સદીઓ પૂર્વે સીદી આદિવાસીઓને આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા. અહીં આવ્યા બાદ પાછલા એક સદીમાં સીદી આદિવાસી મહિલાઓ અને બાળકો શિક્ષણ અને સામાજિક રીતે સર્વાંગી વિકાસ થાય તે માટે ખૂબ સારું કામ કર્યું હતું. જેને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગોમાં બિરદાવ્યા હતા. આ સિવાય હીરબાઈ બેનના કામને ધ્યાને રાખીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પંથકમાં સીદી આદિવાસીની મહિલાઓ માત્ર મજૂરી નહીં પરંતુ ભણીને કોઈ સારા હોદ્દા પર નોકરી કરે તેમજ તેમના બાળકો પણ ખૂબ સારો વિકાસ થાય તે માટે તેમણે જીવન પર્યંત સતત પ્રયાસો કર્યા હતા. હિરબાઈ બેનના આ પ્રયાસોને આજે સદેહે અલ્પ વિરામ થયું છે. પરંતુ તેમના દ્વારા કરેલા કામો અને તેમની સુવાસ આ વિસ્તારની સીદી આદિવાસી મહિલા અને તેના બાળકોને કાયમ પ્રેરણા આપતા રહેશે.
આ પણ વાંચો: