અમદાવાદ: વિશ્વભરમાં પોતાના સંગીતથી ધૂમ મચાવનાર બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે. બે દિવસ યોજાનારા આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં કોલ્ડપ્લેના ચાહકો પહોંચે તેવી સંભાવના છે. ત્યારે કોન્સર્ટ પહેલા અમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમના સભ્યો આવી પહોંચ્યા હતા. ITC નર્મદા હોટલમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
હોટલમાં કોલ્ડપ્લેની ટીમનું તિલક લગાવીને સ્વાગત
ITC નર્મદા હોટલમાં કોલ્ડપ્લે બેન્ડના જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય અને બેરીમેન પહોંચતા હોટલના સ્ટાફ દ્વારા તિલક લગાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલ્ડપ્લેની ટીમ અહીં રાત્રિ રોકાણ કરશે. તેમને જોવા માટે હોટલની બહાર મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા હતા.

સ્ટેડિયમની સુરક્ષાનું પોલીસે કર્યું નિરીક્ષણ
નોંધનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ પહેલા અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્તના રિહર્સલ માટે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના યોજાનાર ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડ પ્લેમાં જો આપમાંથી કોઈ જઈ પોતાના વાહન દ્વારા જઈ રહ્યા હોવ તો તમે પોતાનું વાહન કઈ જગ્યાએ પાર્ક કરશો ? પાર્કિંગની વ્યવસ્થા શું છે ? આ અંગે પહેલા કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ હવે સ્ટેડિયમ આસપાસ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે કુલ 13 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.

13 પ્લોટમાં કુલ 16,300 વાહનો પાર્ક કરવાની સુવિધા
કોન્સર્ટમાં ભાગ લેવા આવનારા લોકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી પોતાનું વાહન પાર્ક કરવા માટે બુકિંગ કરાવી શકશે, જેના માટે ટોટલ 13 પ્લોટમાં કુલ 16,300 વાહનો પાર્ક કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે.
પાર્કિંગ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ?
કોલ્ડપ્લે કોન્સર્ટમાં ટુ વ્હીલર વાહન પાર્કિંગ માટે રૂ. 150 ચૂકવવાના રહેશે. જ્યારે ફોર વ્હીલર હોય તો 500 રૂપિયા ચૂકવવા પડશે.
પાર્કિંગથી સ્ટેડિયમ સુધી મફતમાં ફેરી લઈ જશે
નિયત કરવામાં આવેલ પાર્કિંગ પ્લોટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની 300 મીટરથી 2.5 કિલોમીટરના જ અંતરે છે, આમાંથી અમુક પાર્કિંગ પ્લૉટથી ફ્રી ફેરી સર્વિસ પણ રાખવામાં આવી છે.
આ પણ વાંચો:
અમદાવાદથી ST વૉલ્વો બસમાં લઈ જશે મહાકુંભઃ 4 દિવસના પેકેજનો ભાવ તો જુઓ...