ખેડા: નડિયાદ સ્થિત એસપી ઓફીસે પહોંચેલી એક મહિલાએ આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. શહેરના મલારપુરા વિસ્તારમાં રહેતી 45 વર્ષીય એક મહિલાને કેટલાક સમયથી તેનો પતિ મારઝૂડ કરી ત્રાસ આપતો હતો.
પતિના ત્રાસથી કંટાળી મહિલાએ એસપી ઓફિસે પહોંચી શરીરે પેટ્રોલ છાંટી આત્મદાહનો પ્રયાસ કરતાં હાજર કર્મચારીઓએ તેને બચાવી ટાઉન પોલિસને સોંપી હતી.જ્યાં પોલિસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ શહેરના મલારપુરામાં રહેતા 45 વર્ષીય શાયનાબેન વાંકાવાળાએ ઈબ્રાહિમ અલાદ સાથે બીજા લગ્ન કર્યા છે. આ લગ્ન બાદ છેલ્લાં કેટલાક સમયથી તેનો પતિ તેની સાથે મારઝુડ કરતો હતો. આ બાબતે પોલીસને ફરિયાદ કરી હતી. તે છતાં પણ વારંવાર ઝઘડો કરી મારઝુડ કરી ત્રાસ આપતો હતો.

પોલીસકર્મીઓએ બચાવી
પતિ ઈબ્રાહીમે ફરિયાદ કરવાનો ખાર રાખીને તેની પત્ની શાયનાબેનને અપશબ્દ બોલ્યા હતા, તેમજ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત શાયનાબેન અમારા કહ્યામાં નથી તેથી તેની સાથે કોઈ લેવડ-દેવડ કરવી નહીં, આ બાબતની વકીલ મારફતે નોટિસ પ્રસિદ્ધ કરાવી હતી. જેને લઈ પતિના ત્રાસથી કંટાળી શાયનાબેન પેટ્રોલની બોટલ લઈ એસપી ઓફીસે પહોંચ્યાં હતાં.
જ્યાં તેમણે પોતાના શરીરે અને કપડાં પર પેટ્રોલ છાંટી આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એસપી ઓફીસમાં હાજર પોલીસ કર્મચારીઓએ તેણીને બચાવી નડિયાદ શહેર પોલીસને સોંપી હતી. નડીયાદ શહેર પોલિસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.