રઘુવીર માર્કેટ આગઃ મંદીના માહોલ વચ્ચે મોટું નુકશાન, 1 વેપારીનું 15 કરોડનું ડ્રેસ મટીરીયલ બળીને ખાખ - latest news of surat
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરના રઘુવીર માર્કેટમાં વહેલી સવારે લાગેલી આગ ઓલવવાની કામગીરી ચાલું છે, ત્યારે જિલ્લા કલેક્ટરે માર્કેટની મુલાકાત લીધી હતી અને આગ ઓલવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. તો બીજી તરફ, માર્કેટમાં દુકાન ધરાવતાં વેપારીઓનો જમાવડો જોવા મળ્યો હતો. જેઓ નુકસાનની ચિંતામાં જોવા મળ્યાં હતા. આગમાં એક વેપારીનો આશરે 15 કરોડનો સામાન બળી ગયો છે, ત્યારે આવા અનેક વેપારીઓને નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે. રઘુવીર ટેક્સટાઈલમાં લાગેલી ભીષણ આગમાં અનેક દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. જેમાં 15 વર્ષથી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા જીતુ પટેલની છ દુકાનો અને ગોડાઉન હતા. વહેલી સવારે જ્યારે જીતુ પટેલને ખબર પડી કે, ટેક્સ્ટાઈલ માર્કેટમાં આગ લાગી છે. તેઓ દોડીને આવી ગયા હતા, પરંતુ તેઓએ જ્યારે જોયું કે તેમની દુકાનો પણ આ ઘટનામાં બળીને ખાખ થઈ ચૂકી છે અને તેમાં મૂકવામાં આવેલા આશરે 15 કરોડના ડ્રેસ મટીરીયલ પણ બળીને ખાખ થઇ ગયા છે, ત્યારે જાણે તેઓની ઉપર આભ તૂટી પડયું હતું. બે વર્ષ અગાઉ જ તેણે રઘુવીર માર્કેટમાં 6 દુકાનો લીધી હતી. સુરત ટેક્સટાઇલના વેપારી જિતુ પટેલે જણાવ્યું હતું કે, મંદીના માહોલમાં તેઓનું આ ભારે નુકસાન છે. હવે લોકો પાસેથી ઉછીના પૈસા લઈને આ ભરપાઈ કરવી પડશે અને મારે ફરી શૂન્યથી શરૂઆત કરવી પડશે.