ભાજપના ઉત્સાહનો અતિરેક: કાર્યકરો પ્રદેશ અધ્યક્ષના હૉર્ડિંગ્સમાં વડાપ્રધાનનો ફોટો ભૂલ્યા
🎬 Watch Now: Feature Video
પાટણઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આગામી 3 અને 4 સપ્ટેમ્બરના રોજ પાટણ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. સી.આર. પાટીલના આગમનને લઇ ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. પાટણના વિવિધ માર્ગો ઉપર ભાજપના કાર્યકરો દ્વારા પ્રદેશ પ્રમુખને આવકારતા મોટા હૉર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપ દ્વારા બગવાડા દરવાજા પોલીસ ચોકી નજીક લગાવવામાં આવેલા મસમોટા હૉર્ડિંગ્સમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ભુલાતા ભાજપમાં નેતાગીરી તેમજ કાર્યકરો વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતાઓને આ અંગેની ખબર પડતા તાત્કાલિક ધોરણે આ બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેનો નવો ટુકડો લગાવવામાં આવ્યો હતો. ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના પ્રમુખનો ફોટો પણ આ બેનરમાં નહી મુકાતા શહેરના પ્રથમ નાગરિક પણ ભૂલાયા હોવાનો ગણગણાટ શહેરીજનોમાં જોવા મળ્યો હતો.