Junagadh Rain: ઓજત નદીનો પાળો તૂટતાં બાલાગામના બે યુવાનો તણાયા, એક યુવાનનું રેસ્ક્યુ, એક લાપતા - ઓજત નદીનો પાળો તૂટતાં બાલાગામના બે યુવાનો તણાયા
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ભેંસાણમાં આજે સવારે 2 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ધરમપુરમાં 5 ઈંચ અને ધારીમાં સાડાચાર ઈંચ વરસાદ પડ્યો છે. ઓજત નદીનો પાળો તૂટતાં માણાવદર તાલુકાના ઘેડ પંથકના કોયલાણા ગામમાં પાણી ફરી વળ્યાં છે. ઓજત નદીમાં આવેલા અતિ ભારે પુરને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ત્યારે પૂરના પાણીમાં બાલાગામના બે યુવાનો તણાઈ રહ્યા હતા. જેને ઓસા ગામના લોકોએ ખૂબ જ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને યુવાનને હેમખેમ બહાર કાઢ્યા છે પરંતુ તેની સાથે રહેલા અન્ય એક યુવાનનો પતો હજુ સુધી લાગ્યો નથી.
એક લાપતા: રેસ્ક્યુ સાથે જોડાયેલા ગામના યુવાનોની ટીમના અગ્રણી ભરતભાઈએ જણાવ્યું હતું કે બે યુવાનો તણાઈ રહ્યા હતા ત્યારે અમારી બચાવ ટુકડીએ પ્લાસ્ટિકના બેરલોના સહારે યુવાનો સુધી પહોંચ્યા અને બે પૈકીના એક યુવાનને બચાવવામાં અમને સફળતા મળી છે. લાપતા બનેલા બીજા યુવાનની અમે શોધખોળ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેનો પતો લાગ્યો નથી.
ચોમાસામાં પૂરની સ્થિતિ: ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારે પૂરની સ્થિતિ પાછલા ત્રણ દસકા કરતા વધુ સમયથી જોવા મળે છે. ત્યારે હવે ગામના યુવાનો દ્વારા પૂરના દિવસો દરમિયાન કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેની હિંમત કેળવી લીધી છે. જેને પરિણામે એક યુવાનનો જીવ બચી ગયો છે પરંતુ અન્ય એક યુવાનનો કોઈ પતો નહીં લાગતા ગામમાં ચિંતાનું મોજુ પણ ફરી પડ્યું છે.