Man Living with Knife: યુવાનના પેટમાં X-rayમાં દેખાયું ચપ્પુ, ડોક્ટરો પણ ચોંકી ગયા - Man Living with Knife
🎬 Watch Now: Feature Video
Published : Oct 29, 2023, 2:04 PM IST
|Updated : Oct 29, 2023, 3:14 PM IST
ભરુચ: અંકલેશ્વરમાં એક એવી ઘટના સામે આવી છે. જેને જાણીને તમે અચંબામાં પડી જશો. આ કિસ્સાની હકીકત એવી છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે અંકલેશ્વરનો યુવાન 5 વર્ષથી પેટમાં ચપ્પુ સાથે જીવી રહ્યો છે. આજથી 5 વર્ષ પહેલા અંકલેશ્વર ગાર્ડન સીટીમાં એક બબાલ થઈ હતી. જેમાં અતુલ ગીરી નામનો યુવાન વચ્ચે પડતાં હુમલા દરમિયાન તેના પેટમાં ચપ્પુ રહી ગયું હતું. જેથી તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા ગયો હતો. જ્યાં જે તે સમયના તબીબે તેને બહારથી તપાસી ટેબ્લેટ આપી તમે ઓકે થઈ જશો કહી મોકલી આપ્યો હતો. આ દરમિયાન પણ વચ્ચે વચ્ચે યુવાનને પેટમાં દુઃખાવો થયા કરતો હતો.
યુવાનના પેટમાં ચપ્પુ દેખાયું: જો કે પાંચ વર્ષ બાદ અતુલ ગીરી ફરી અકસ્માતનો ભોગ બન્યો હતો. એક વર્ષ પહેલા અંકલેશ્વરમાં માર્ગ અકસ્માત થતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જતા પેટમાં વર્ષોથી દુઃખવાની સમસ્યા ડોક્ટરને કહી હતી. યુવાનનો ફૂલ બોડી ચેકઅપ કરતાં તેના પેટનો X-ray જોતા જ ડોક્ટરો ચોંકી ગયા હતા. કારણ કે યુવાનના પેટમાં ચપ્પુ દેખાયું હતું. હવે આગામી બે ત્રણ દિવસમાં તેનું ઓપરેશન કરી પેટમાં 5 વર્ષથી રહેલું ચપ્પુ બહાર કાઢવામાં આવશે.
યુવાને મીડિયા સમક્ષ અપીલ કરી છે કે, કોઈ પણ દર્દી તબીબ પાસે આવે ત્યારે ડોકટર તેનો ઉપરથી જ ચેકઅપ ન કરે. પણ જરૂર જણાય તો એક્સ રે અને સોનોગ્રાફી પણ કરે. જેથી તબીબની નિષ્કાળજીથી 5 વર્ષથી વેઠેલી પીડા અન્ય કોઈને ન ભોગવી પડે.