વલસાડઃ કાળઝાળ ગરમીમાં ઓરડી જેવી રૂમમાં બફારો, લોકડાઉનને કારણે કંપનીઓ બંધ, રાશન-ફૂડ પેકેટ્સ આપતી સંસ્થાઓ હાંફી ગઈ છે. ત્યારે હવે ખરા કપરા સમયનો સામનો વાપીમાં આવેલા પ્રવાસી કામદારો કરી રહ્યા છે. આવા સમયે હજારો કામદારો પગપાળા કે સાયકલ ઉપર કે અન્ય વાહનોમાં વતન જવા નીકળી રહ્યા છે. સરકારે પણ આ પરિસ્થિતિ જોઈ હાલમાં સ્પેશિયલ ટ્રેન દ્વારા શ્રમિકોને વતન પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.
જે અંતર્ગત ત્રણ જેટલી શ્રમિક ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશના 3600 કામદારોને વતન રવાના કર્યા છે. હવે બિહારના 3000 લોકોને ટ્રેન મારફતે મોકલવા રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. જેમાં વતન વાપસી માટે હજારો કામદારો કાળઝાળ ગરમીમાં પણ કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા રહ્યા છે.
વાપીમાં રાજસ્થાન ભવન ખાતે સેલવાસ વાપી મુખ્ય માર્ગ પર હજારો કામદારો રજિસ્ટ્રેશન કરાવવા પડાપડી કરી રહ્યા છે. આ લાઇન જોઈને ચોક્કસ એટલી તો ખબર પડી જ જાય કે લોકોને વતન જવું છે અને તે માટે તેઓ ગમે તેવી મુસીબત આવે તો પણ વેઠવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન વાપીમાંથી અત્યાર સુધીમાં 15 હજારથી વધુ કામદારો વતન વાપસી કરી ચુક્યા છે. જેને લઈને ઉદ્યોગકારોમાં ચિંતા પ્રસરી છે. તો, ગુજરાતીઓને ગુજરાત મોડેલની વાસ્તવિકતાનું ભાન પણ લોકડાઉને કરાવ્યું છે.