વલસાડઃ કોરોનાને લઈને સમગ્ર ભારતમાં લોકડાઉનની સ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં સૌથી વધુ નુકસાન ધરમપુર તાલુકાના ખેડૂતોને થયું છે. શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. કોરોના લોકડાઉનને કારણે તમામ માર્કેટ બંધ થઇ જતા શાકભાજીમાં ટામેટા ,રીંગણ, ભીંડા, મરચાં સાહિતના શાકભાજી ખેતરોમાં હાલમાં તૈયાર પડ્યા છે. પણ જે વેપારીઓ માર્કેટમાં લેવા માટે આવતા હતા તે માર્કેટ બંધ થઇ જતા જેન કારણે ઉભો પાક ખેતરોમાં સડી રહ્યો છે. રીંગણ, ટામેટા ધરાવતા ખેડૂતોની હાલત ખૂબ દયનિય છે.
ધરમપુર તાલુકાના કુરગામ કંજરાઈ ફળીયામાં રહેતા ખેડૂતે જણાવ્યું કે, ખેતરોમાં ટામેટા તૈયાર થઈ ગયા છે પણ કોઈ વેપારી ન આવતા તેને ક્યાં લઈ જવા જેથી એ તોડ્યા નથી અને એના કારણે હવે તે બગડી રહ્યા છે. એકલ દોકલ વેપારીને જો આપીએ તો માત્ર 20 રૂપિયે કિલોના ભાવે વેચાણ થતું હોય તો મજૂરી પણ માથે પડે છે. સાથે જ લીલા મરચા તોડવા માટે એક મજૂરને એક દિવસના 200 રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે અને એ બાદ પણ મરચાનો જથ્થો માર્કેટ લઈ જઈએ તો વેપારી માત્ર હાલના દિવસોમાં 150 કિલો મરચા ભાવ કિંમત ખેડૂતોને ચૂકવે છે.
આમ લોકડાઉનના સમયમાં મજૂરી માથે પડી રહી હોય ખેડૂતોએ શાકભાજી ખેતરમાંથી તોડવાની બંધ કરી દેતા શાકભાજીનો પાક ખેતરોમાં જ સુકાઈ અને કોહવાઈ રહ્યો છે. છેલ્લા 24 દિવસથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. જો આગામી 20 તારીખે પણ લોકડાઉનમાં શાકમાર્કેટ કે તેના વેપારીને વ્યાપાર કરવા દેવમાં નહીં આવે તો ખેડૂતોને શાકભાજીની ઉપજ માટે કરવામાં આવેલ ખર્ચ માથે પડી જશે અને ખેતરોમાં સડી ગયેલો શાકભાજીનો જથ્થો પશુઓને નાખવાનો વારો આવશે.