- સંસ્કૃતિ ગરબા ગ્રૃપ કરી અનોખી પહેલ
- 25 ઓટો રિક્ષામાં લગાવ્યાં સેનિટાઈઝર મશીન
- કપિલ રાઠોડે બનાવ્યાં સેનિટાઈઝર મશીન
વલસાડ: કોરોના મહારામીના કારણે ચાલુ વર્ષે નવરાત્રિનું આયોજન સરકાર દ્વારા રદ કરવામાં આવ્યું છે, ત્યારે રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા રિક્ષા ચાલકોને કોરોનાથી બચાવવા વાપીના સંસ્કૃતિ ગરબા ગ્રૃપના ખેલૈયાઓએ નવરાત્રિની બચતમાંથી 25 સેનિટાઇઝર મશીન ખરીદી તેને નિઃશુલ્ક ઓટો રિક્ષામાં ફીટ કરી અનોખી સખાવતના દર્શન કરાવ્યાં હતા.
કપિલ રાઠોડે બનાવ્યાં મશીન
આ સેનિટાઇઝર મશીન સંસ્કૃતિ ગરબા ગ્રૃપના કપિલ રાઠોડે જાતે જ પોતાની એન્જિનિયરિંગની કળા દ્વારા બનાવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોરોના હજૂ ગયો નથી. જેથી વાપીના લોકોએ તેનાથી સાવચેત રહેવાની જરૂર છે.
દરેક રિક્ષા ચાલકે મશીન વસાવવું જોઈએ
રિક્ષા ચાલકોએ નિઃશુલ્ક સેનિટાઇઝર મશીન મેળવ્યા બાદ પોતાની ખૂશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મશીન દરેક રિક્ષા ચાલકે વસાવવું જોઈએ. આ મશીનથી રિક્ષા ચાલક પોતાની અને પ્રવાસીની સુરક્ષા કરી શકે છે.
100 રિક્ષામાં મશીન લગાવવાનો સેવ્યો ઉદ્દેશ્ય
કપિલ અને તેના ગ્રૃપે દશેરાના પર્વે 25 રિક્ષાઓમાં સેનિટાઈઝર મશીન ફીટ કરી આપ્યા છે. તેમણે કુલ 100 રિક્ષામાં આ મશીન નિઃશુલ્ક લગાડી આપવાનો ઉદ્દેશ સેવ્યો છે. જે માટે અન્ય કોઈ સંસ્થા કે સરકારની કોઈ મદદ લીધી નથી, પરંતુ તેમની આ પહેલથી અન્ય સામાજિક સંસ્થાઓ, સરકારના વિભાગો પ્રેરણા લે અને આવા મશીન ઓટો રિક્ષા કે જાહેર-સરકારી વાહનોમાં લગાડવા માટે આગળ આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.