- ખાનગી બસ સંચાલકોએ RTPCR રિપોર્ટ નહિ માંગતા રાજ્યના ફેરા શરૂ કર્યા
- વાપીમાંથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર વતન પરત જઇ રહ્યા છે કામદારો
- ગુજરાતના ખાનગી બસ સંચાલકોએ ઉંચા ભાડા સાથે ફેરા શરૂ કર્યા
વાપી: ગુજરાતમાંથી મહારાષ્ટ્ર-રાજસ્થાન જતી આવતી લકઝરી બસોમાં મુસાફરોના RT-PCR રિપોર્ટ વિના આવાગમન પર સરકારે પાબંધી લગાવી છે એટલે ધંધો ઠપ્પ થયો છે. જ્યારે વાપીમાંથી યુપી-બિહાર-મધ્યપ્રદેશના કામદારોનું પલાયન શરૂ થયું છે. આ રાજ્યમાં RT-PCRનો કોઈ નિયમ ના હોવાથી હવે સુરત-વાપીના અને સૌરાષ્ટ્ર-અમદાવાદમાં ટ્રીપ મારતા ખાનગી બસ ચાલકોએ પરપ્રાંતીય કામદારોને ઊંચા ભાડા સાથે તે તરફના ફેરા શરૂ કર્યા છે.
આ પણ વાંચોઃ 56ની બેઠક ક્ષમતા ધરાવતી બસમાં 120 શ્રમિકોને બેસાડવામાં આવ્યા !
પરપ્રાંતીય કામદારો વતન પરત ફરવા મજબૂર થયા
કોરોનાની બીજી લહેરે પરપ્રાંતીય કામદારોને બીજી વાર વતન પરત ફરવા મજબૂર કર્યા છે. જેનો ફાયદો હાલ વાપીમાં ટ્રાવેલ્સ સંચાલકો ઉઠાવી રહ્યા છે. વાપીમાં બલિઠામાં વેસ્ટર્ન હોટેલ, બોમ્બે રેસ્ટોરન્ટ, વાપીમાં હાઇવે પર, પેપીલોન હોટેલ નજીક ગુંજન ચોકડી પરથી પ્રવાસી ભરેલી ખાનગી બસોની ઉત્તર પ્રદેશ-મધ્યપ્રદેશની ટ્રીપ શરૂ થઈ છે. હાલ વાપીમાં હાઇવેની હોટેલો પર ખાનગી બસોનો ખડકલો થઈ રહ્યો છે.
ગુજરાતમાં RT-PCR રિપોર્ટ ફરજીયાત છે
આ અંગે ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી મળતી વિગતો મુજબ જે ખાનગી બસો પહેલા મુંબઈ-રાજસ્થાન અને ગુજરાતના જિલ્લાઓમાં ચાલતી હતી. તેમાં સરકારે દરેક યાત્રીનો કોરોના નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજીયાત કર્યો છે. એટલે એ રૂટની બસો બંધ થઈ ગઈ છે. ધંધો ઠપ્પ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ હજુ પણ અફવાના કારણે સુરતમાં શ્રમિકો કરી રહ્યા છે પલાયન
બસ સંચાલકોની ખોટની રાવ સાથે તગડી કમાણી
વાપી-દમણ-સેલવાસમાં ઉદ્યોગોમાં કામ કરતા કામદારોનું વતન સ્થળાંતર થઈ રહ્યું છે. જેઓ માટે વાપીથી UP, બિહાર, MP જવા માટે એટલી ખાનગી બસોની સગવડ નથી. એટલે એ વિસ્તારની ટ્રીપ શરૂ કરી છે. જો કે આ ટ્રીપમાં તેમને ખોટ જતી હોવાની રાવ કરતા બસ સંચાલકો તગડી કમાણી કરી રહ્યા છે.
એક બસમાં 90 યાત્રીઓને લઈ જાય છે
પહેલા આ રાજ્યના કામદારો માટે બસમાં 1 સ્લીપર સીટ દીઠ 2,500 રૂપિયા ભાડું હતું. હવે એ જ સિંગલ સ્લીપર સીટમાં 2 કે 3 યાત્રીઓ ભરી એક યાત્રી દીઠ 2,000 રૂપિયા વસૂલી રહ્યા છે. એક બસમાં 56 યાત્રીઓ સામે આવા 90ને ભરી ટ્રીપ મારી રહ્યા છે.
કામદારોમાં લોકડાઉનનો ભય
કામદારો પણ પોતાના નાના બાળકો સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વતન જઈ રહ્યા છે અને તે માટે જે ભાડું માગે છે તે ચૂકવી રહ્યા છે. કેમ કે કામદારોને ભય છે કે જો લોકડાઉન લાગશે. ઉદ્યોગો બંધ થશે, વાહનો બંધ થશે તો તેઓ તેમના પરિવાર સાથે અહીં જ ફસાઈ જશે. જેનો લાભ હાલ ખાનગી બસ સંચાલકો ઉઠાવી રહ્યા છે.
કોરોનાની તમામ ગાઇડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે
વાપીમાં છેલ્લા એક સપ્તાહથી રોજની આવી 20થી વધુ ખાનગી બસો UP, બિહાર, મધ્યપ્રદેશ કામદારોને લઈને જઈ રહી છે. જે માટે સુરત, રાજકોટ, અમદાવાદના ટ્રાવેલ્સ સંચાલકોએ પોતાની બસ સાથે વાપીમાં ધામાં નાખ્યા છે. આ સંચાલકોને માત્ર તગડી કમાણીમાં રસ છે. એટલે કોરોનાની મહાભયંકર બીમારીમાં પણ સોશિયલ ડિસ્ટન્સથી માંડીને કોરોનાની તમામ ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી રહ્યા છે.