વલસાડઃ ગરીબ પરિવારમાં જન્મેલા ગફુરભાઈ બીલખિયાએ વાપીમાં હિન્દુસ્તાન ઇન્ક નામની કંપની શરૂ કરી હતી. જ્યારે હાલમાં મેડિકલ ક્ષેત્રે મેરીલ લાઈફ સાયન્સીઝ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ઊભી કરી મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પરિવર્તન લાવવામાં નિમિત બન્યા છે. ગફુરભાઈ બીલખિયાએ પોતાને મળેલા પદ્મશ્રી એવોર્ડ માટે મોદી સરકારનો આભાર માન્યો હતો. એ સાથે જ ગરીબોની સેવા અને તેમની દુઆથી આ એવોર્ડ મળ્યો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે ગાંધીવાદી ગફુરભાઈ બીલખિયાએ ETV BHARAT સાથે વાત કરતા પોતાની ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, "તેમને મળેલો એવોર્ડ તેમણે કરેલા સામાજિક સેવાના કાર્યો અને તેમાં પણ મેડિકલ ક્ષેત્રે જે મેડિકલ ડિવાઇસીઝ લાખો રૂપિયામાં મળતા હતા તેને 30 હજાર રૂપિયા સુધીની કિંમતમાં લાવવાનો સિંહફાળો આપવા બદલ એનાયત કરવામાં આવ્યો છે."
ગુજરાતના સાવરકુંડલાના વંડા ગામે ગરીબ પરિવારમાં જન્મ્યા હતા. જે બાદ 10 વર્ષની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા. તે સમયે ગાંધીવાદી વિચારક ગણાતા આત્મારામ ભટ્ટ, બળવંત મહેતા જેવા ગાંધીવાદીઓ સાથે મળીને ગરીબોના ઉત્થાન માટે રસ લેવા લાગ્યા હતા. લગ્ન બાદ તેમના પુત્રએ ગુજરાતીમાં BSc કર્યુ,
વાપી ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધી રહ્યું હતું ત્યારે વાપીમાં હિન્દુસ્તાન ઇન્ક નામે ઇન્ક બનાવતી કંપનીની સ્થાપના કરી હતી. તેમનું માનવું હતું કે, જે ઉદ્યોગ ગરીબો કરી ન શકે અને અમીરો જે ઉદ્યોગમાં રસ ના દાખવે તે ઉદ્યોગ કરવો જોઈએ. એટલે ઇન્ક ક્ષેત્રે ઝંપલાવ્યું, ત્યારબાદ કેમિકલ ક્ષેત્રે પણ તેઓ આગળ વધ્યા. જેને જર્મનીને વેચી દીધા બાદ મેડિકલ ક્ષેત્રે નવું સાહસ ખેડવા માટે મેરીલ લાઈફ સાયન્સીઝ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની સ્થાપી.
આ કંપનીમાં Vascular intervention માટે ઉપયોગી drug eluting stents પ્રોડક્ટ, coronary પ્રોડક્ટ, orthopedics માં innovative implants from knee replacements to hip replacement product, Diagnostics માં malaria/HIV કીટ પ્રોડક્ટ અને Endosurgery ની પ્રોડક્ટ બનાવે છે. તેમની કંપનીમાં બનતી પ્રોડક્ટ દેશ અને દુનિયામાં પ્રખ્યાત બની છે. જે માટે તેમના પુત્રોએ ખૂબ જ મહેનત કરી.
પોતે ગાંધીવાદી વિચારધારા સાથે જોડાયેલા હોય તેમના પુત્રો પુત્રીઓ પણ ગાંધીવાદને વરેલા છે. આજે પણ તેમની કંપનીમાં કામ કરતાં 2000 જેટલા કર્મચારીઓ માટે તે આ કંપની તેમની હોવાનું જણાવી સતત પરિશ્રમ કરવા મનોબળ પૂરું પાડી રહ્યા છે.
પદ્મશ્રી ગફુર બીલખિયાએ જણાવ્યું હતું કે, "દેશમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મા ભક્ત ગણાય છે. એ જ રીતે પોતે પણ મા ભક્ત છે. 2005માં તેમની માતા ના દુઃખદ અવસાન પ્રસંગે નરેન્દ્ર મોદી પોતે તેમના ઘરે આવ્યા હતા. ગુજરાત સરકાર તરફથી તેમને અનેક વિશેષ એવોર્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા છે. ખાદી ગ્રામોદ્યોગમાં તેઓ ખાદીના પ્રચાર-પ્રસારમાં જોડાયા અને ખાદી કમિશનના મેમ્બર પણ બની ચૂક્યા છે."
હાલમાં ‘મા ફાઉન્ડેશન’ નામની સંસ્થા સ્થાપી એજ્યુકેશન ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. પદ્મશ્રી ગફુરભાઈ બીલખિયા માને છે કે, "જીવનમાં અભ્યાસનું ખૂબ જ મહત્વ છે અને દરેક લોકોએ અભ્યાસ કરવો જોઈએ."