સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુકેશભાઇ ધોડિયા વાપી GIDCમાં અગ્રવાલ પેપર ટ્યુબ કંપનીમાં નોકરી કરે છે. જે એક વર્ષથી વાપી ડુંગરા વિસ્તારમાં પત્ની હેમલતા અને બે છોકરી સાથે સાસરીયામાં રહે છે. તેની પત્ની પ્રેગનેન્ટ હોવાથી 15 નવેમ્બરના રોજ વાપીની શિવમ હોસ્પિટલ ડિલીવરી માટે ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નોર્મલ ડીલીવરી કરાવી બાળક સિરિયસ હોવાનું જણાવ્યું હતું. અને તે બાદ અચાનક તબીબે પરિજનોને જણાવ્યું કે, હેમલતાબેનની તબિયત સીરીયસ છે. અને તેમને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં રીફર કરવા પડશે.
ડૉક્ટરની સલાહ બાદ દર્દીને હરિયા હોસ્પિટલ અને બાળકને એપલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં રવિવાર બપોરે દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે પતિ મુકેશભાઇએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના અંગે મૃતકના પરિવારજનોએ શિવમ હોસ્પિટલના ડૉક્ટર પર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. પરિવારજનોએ જણાવ્યું કે, બહેનની તબિયત ખરાબ હતી. તેમ છતાં તબીબોએ તાત્કાલિક જાણ નહોતી કરી અને આખરે ડિલિવરી બાદ 2 કલાકે જાણ કરી હતી.
જ્યારે આ અંગે શિવમ હોસ્પિટલના મુખ્ય ડૉ.શીતલ દેસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ડિલિવરી દરમિયાન બાળક સિરિયસ હતું, પરંતુ માતાની તબિયત નોર્મલ હતી. જે બાદ અચાનક તેનું બ્લીડીંગ વધ્યું હતું. અને તે માટે ગર્ભાશય કોથળી કાઢી ઓપરેશન દ્વારા તેને રોકવામાં આવતું હોય છે. પરંતુ અમારી પાસે તાત્કાલિક બ્લડની અને અન્ય વ્યવસ્થા થઈ શકે તેમ નહોતી જેથી દર્દીનો જીવ બચાવવા એક જ કલાકમાં તેને હરિયા હોસ્પિટલમાં રીફર કરી દીધા હતાં.
ડૉ.શીતલ દેસાઈ પોતે એક્સપર્ટ તબીબ હોય તેમ આ અંગે એવી વિગતો પણ આપી હતી કે, મહિલાને રીફર કરતી વખતે તેમની પલ્સ અને BP સ્ટેબલ હતું, પરંતુ આવા સમયે જો બ્લીડીંગ વધું હોય તો મહિલાની ગર્ભાશયની કોથળી કાઢી નાખતા હોઈએ છીંએ. અને તેમાં 100 ટકા દર્દી બચી જાય છે. પરંતુ ત્યાંના ડૉકટરોએ શું કર્યું તેની મને ખબર નથી.
જોકે, શિવમ હોસ્પિટલના તબીબની આ વાતનું હરિયા હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોકટર રિતેશ શર્માએ ખંડન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દર્દી રાત્રે 1:30 વાગ્યે તેમની હોસ્પિટલમાં આવ્યું હતું. અને ત્યારે તેની પલ્સ અને BP બંન્ને નબળા હતાં. અમે તાત્કાલિક તેના ગર્ભાશયના પોઇન્ટ બાંધ્યા હતાં. તેમ છતાં તેને બચાવી શકયા નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માતા મૃત્યુ અને શિશુ મૃત્યુ અંગે સરકાર ખુબજ ગંભીર છે. આ અંગે સરકાર દ્વારા ચોક્કસ એક્શન લેવાતી હોય છે. અમે તમામ ડોક્યુમેન્ટ પોલીસને આપ્યા છે. તેમજ મૃત્યુ અંગેના ચોક્કસ કારણો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આવશે અને અમે તેમાં સંપૂર્ણ સહકાર આપીશું. જેથી, મહિલાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.
બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત થતા પરિવાર હતપ્રભ બન્યો છે. જ્યારે નવજાત શિશુ સાથે અન્ય બે બાળકી મળી કુલ ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ સમગ્ર મામલે પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરવા માગ કરી છે. પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં તબીબો દર્દીઓને છેલ્લી ઘડીએ અન્ય સરકારી કે, સંસ્થાની હોસ્પિટલમાં વધુ સારવારના બહાને રીફર કરી પોતાની હોસ્પિટલમાં મૃત્યુ દરના આંકડા પર અંકુશ લગાવવાના પેંતરા અજમાવતા હોય છે. આ ઘટનામાં આ પેંતરો પણ હોસ્પિટલ દ્વારા રચાયો હોય તેવી આશંકા શહેરીજનોમાં ઉઠી છે. ત્યારે આ ઘટનામાં યોગ્ય તપાસ થાય તે ઇચ્છનીય છે.