વલસાડ : જિલ્લાના કપરાડા તાલુકામાં આદિવાસી સમાજમાં અનેક તહેવારોનું ઘણું મહત્વ રહેલું છે. તહેવારોની ઉજવણીના સમયે બહાર શહેરોમાં મજૂરીકામ માટે ગયેલા લોકો તેમના નિવાસ સ્થાને પરત ફરે છે અને પોતાના પરિવાર સાથે ઉજવણી કરે છે, પરંતુ હોળીનો માહોલ કંઈક અલગ જ હોય છે. હોળી સમયે અહીંના પરંપરાગત આદિવાસી નૃત્ય શિવરાત્રિના મેળાની તૈયારી સાથે શરૂ થઇ જતું હોય છે,અને તે છેક હોળી સુધી જોવા મળે છે.
ભવાની નૃત્ય કરનારા લોકો તેમના પરંપરાગત વાદ્યો સાથે હોળીનો ફાગ ઉઘરાવવા માટે વિવિધ હાટ બજારમાં ફરતા જોવા મળે છે. શિવરાત્રીથી લઈ હોળી દરમિયાન વિવિધ ગામોમાં અઠવાડિયાના સાત દિવસો દરમિયાન અલગ-અલગ ગામોમાં ભરાતા હાટ બજારમાં નૃત્ય કરીને હોળીનો ફાગ ઉઘરાવે છે. આદિવાસી સમાજમાં એવી માન્યતા છે કે, ભવાની નૃત્ય કરનાર વ્યક્તિને નાનું બાળક આપી તેની સાથે નૃત્ય કરાવવાથી બાળકને આવતી તમામ બીમારીઓ દૂર થઈ જાય છે. જેને લઇને લોકો નાના બાળકોને આ નૃત્ય કરતા લોકોને હાથમાં આપી તેની સાથે નૃત્ય કરાવે છે.
આજે આવું જ એક નૃત્ય વૃંદ નાનાપોન્ડા બજારમાં ફાગ ઉઘરાવતા જોવા મળ્યા હતા. છેલ્લા દસ વર્ષથી સતત આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું કે, હોળીના તહેવાર નિમિત્તે આ નૃત્યનો ખાસ મહત્વ છે અને લોકો તેમને એક પરંપરાગત આદિવાસી નૃત્ય તરીકે નહીં પરંતુ ધાર્મિક રીતે જુએ છે.
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ નૃત્ય આદિવાસી સમાજના અનેક હાર્ટ બજારોમાં તમને સામાન્યત જોવા મળી શકે છે.