વલસાડ ખાતે આવેલો તિથલ બીચ આમ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે, ત્યારે હાલ વરસાદી માહોલમાં અને રવિવારની રજા હોવાથી સેંકડોની સંખ્યામાં સહેલાણીઓ દરિયાકિનારે ઉમટી પડ્યા હતા.
જોકે ભરતીના સમયે ત્રણ વાગ્યા બાદ દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો હતો, જેના કારણે દરિયાઈ મોજા 20 ફૂટ ઊંચે ઉછળ્યા હતા. દરિયાના મોજાની તીવ્રતા એટલી ભારે હતી કે બીચના કિનારા ઉપર પણ દરિયાનું પાણી ફરી વળ્યું હતું.
મોજાના પાણીની છાલક મેળવવા માટે કેટલાક સહેલાણીઓ બીચના કિનારે ઊભા રહેલા પણ જોવા મળ્યા હતા. જોકે, બાદમાં પોલીસ આવી જતા આ તમામ સહેલાણીઓને બીચના કિનારાથી દૂર ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે અરબી સમુદ્રના કિનારે અપર એર સર્ક્યુલેશન સર્જાવાને કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે અને હાલ તેની અસર દરિયામાં પણ જોવા મળી રહી છે.