સુરેન્દ્રનગર : રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આવતીકાલ 16 ફેબ્રુઆરી, રવિવારના રોજ રાજ્યભરમાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. જે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. સાથે જ પોલીસ વિભાગે પણ સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાના 9 વોર્ડમાંથી 27 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. આ ચૂંટણીનું મતદાન આવતીકાલ 16 ફેબ્રુઆરી, રવિવારના રોજ યોજનાર છે. આ માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રએ પોલીસ વિભાગના સહયોગથી સંપૂર્ણ વ્યવસ્થા કરી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા : સુરેન્દ્રનગરના થાન નગરપાલિકાની ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા 33 બુથોમાંથી 11 સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં 1 DySP, 12 PI-PSI અને 300 થી વધુ પોલીસકર્મીઓ સહિત GRD અને હોમગાર્ડ જવાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
11 બુથ સંવેદનશીલ જાહેર : થાનમાં 11 બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા એક ટીમ રિઝર્વ તરીકે રાખવામાં આવી છે. જેથી મતદાન સમયે લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શહેરી વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.