- વલસાડ જિલ્લામાં સવારે 8 થી 10 વચ્ચે 37 mm વરસાદ નોંધાયો
- અંતરિયાળ ગામોમાં નીચાંણવાળા બ્રિજ ઉપરથી પાણી ફરી વળતા લોકોને અવાગમન માટે પડી હાલાકી
- વિધાર્થીઓને પાણી ભરેલા બ્રિજ ઉપરથી જીવના જોખમે પસાર થવાની ફરજ પડી
વલસાડ: જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી છુટા છવાયા વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી હતી. જેમાં સવારે 8 થી 10 વચ્ચે મેઘરાજાએ કપરાડા તાલુકા ઉપર મહેર કરતા સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં બે કલાકમાં 31 mm જેટલો નોંધાયો હતો, જેને પગલે નદી- નાળાં છલકાયા હતા.
કપરાડા તાલુકાના અનેક ગામોમાં નીચાંણવાળા બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યાં
કપરાડા તાલુકામાં વરસાદ થતાંની સાથે જ અનેક સ્થળે આવેલા કોઝવે ચેકડેમ ઉપર પાણી ફરી વળે છે અને ઓવર ટોપિંગમાં બ્રિજ જતા રહે છે. જેના કારણે અનેક વિસ્તારોમાં આવગામન થઈ શકતું નથી. આવા સમયે લોકોને હાલાકી પડે છે. ફતેપુર અને પીપરોણી ગામની વચ્ચેથી વહેતા નાળા ઉપર બનેલા નીચાંણવાળ બ્રિજ ઉપરથી નાળામાં આવેલું વરસાદી પાણી ફરી વળતા વહેલી સવારે મજૂરી કામ અર્થે વાપી જવા નીકળેલા તેમજ શાળાએ જવા નીકળેલા અનેક વિધાર્થીઓની હાલત કફોડી બની હતી. તેમ છતાં વિધાર્થીઓને જીવના જોખમે પણ નદીના પાણીમાં ઉતરીને જવાની નોબત આવી હતી.
વલસાડ જિલ્લામાં વરસાદી આંકડા ઉપર નજર
વલસાડ જિલ્લામાં આજે સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ઉમરગામમાં 2 mm, કપરાડામાં 31 mm, ધરમપુરમાં 0 mm, પારડીમાં 2 mm, વલસાડમાં 0 mm, વાપીમાં 2 mm જેટલો વરસાદ એટલે કે જિલ્લામાં બે કલાકમાં 37 mm વરસાદ નોંધાયો હતો.