વલસાડ : હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. અનેક જગ્યા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાપી શહેરી વિસ્તારના અનેક નીચાણવાળા ક્ષેત્રોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. કેટલીક સોસાયટીમાં તો અંડર બ્રિજ તેમજ નેશનલ હાઇવે નંબર 48 મુંબઈ અમદાવાદ ઉપર ઉદવાડા અને પારડીની વચ્ચે વરસાદી પાણી હાઇવે પર ચડી ગયા હતા. જેને પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વલસાડ જિલ્લો રેડ એલર્ટ પર : ગુજરાત હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ નોંધાવાની શક્યતા છે. જેને પગલે અન્ય જિલ્લાની સાથે સાથે વલસાડ જિલ્લાને પણ રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યો છે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જોકે ગત 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં અનેક જગ્યાઓ પર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે.
વરસાદી પાણી ભરાયા : વાપીમાં ભારે વરસાદ વરસવાને કારણે વાપીના ચલા ક્ષેત્રમાં દમણ રોડ પર આવેલા વિવિધ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. સોસાયટીના ગેટ અને સોસાયટીના ભોંય તળિયે વરસાદી પાણી એક ફૂટ સુધી ભરાયા છે. જેના કારણે સોસાયટીમાં રહેતા રહીશોને આમંત્રણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત નેશનલ હાઇવે નંબર 48 અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. તેથી વાહનો મંથર ગતિએ આગળ ચાલતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ : જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડ તાલુકામાં 2 ઇંચ, ધરમપુરમાં 1.6 ઇંચ, પારડીમાં 13 એમએમ, કપરાડામાં 1.28 ઇંચ ઉમરગામમાં 2 ઇંચ અને વાપીમાં 4.26 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં ખાબક્યો છે.
માર્ગો ઓવરલેપિંગને કારણે બંધ થયા : વહીવટી તંત્રની એક યાદીમાં જણાવ્યા અનુસાર ભારે વરસાદ કારણે જિલ્લાના 10 જેટલા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વલસાડ તાલુકાના 7, ઉમરગામના 2 અને કપરાડાના 1 માર્ગનો સમાવેશ થાય છે. મેઘરાજાએ વલસાડ જિલ્લામાં ગઈકાલે સાંજથી તોફાની બેટિંગ કરી વાપી શહેરને ભમરોલી નાખ્યું છે અને હજુ પણ બે દિવસ વધુ વરસાદ વરસે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.