- વાપીમાં રિક્ષા ચાલકની હત્યા કરનારા હત્યારા ઝબ્બે
- 120માં રિક્ષાનું ભાડું નક્કી કરી લૂંટના ઇરાદે કરી હત્યા
- નજીવા પૈસા માટે હત્યા કરતા પણ નથી અચકાતા હત્યારા
વલસાડ: વાપીમાં 20 જાન્યુઆરીએ ડુંગરા તળાવ નજીકથી એક રિક્ષા ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં મૃતક યુવક રિક્ષા ચલાવતો હતો અને તેના છાતીના ભાગે છરીના ઘા મારી હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતાં. જે ચારેય હત્યારાઓને વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી 1 હત્યા અને 3 લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
રિક્ષા ચાલકની હત્યા
20 જાન્યુઆરીએ વાપીના ડુંગરા તળાવ નજીકથી અખિલેશ શ્રીપાલ નામના રિક્ષા ચાલકનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે ડુંગરા પોલીસે, GIDC પોલીસ અને LCBએ તપાસ હાથ ધરી હતી. જેમાં મોબાઈલ સર્વેલન્સ, આસપાસના CCTV ફૂટેજ, બતમીદારો આધારે જાણવા મળ્યું હતું કે, રિક્ષામાં 4 લોકો સવાર હતા અને તેમણે રિક્ષા ચાલકની હત્યા કરી હતી.
રિક્ષા ચાલકો લૂંટવાના અને ઘરફોડ ચોરીમાં હતા માહેર
આ બાતમી આધારે જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી 4 રીઢા ગુનેગારોની ધરપકડ કરી હતી. જે અંગે વલસાડ પોલીસવડા ડૉ. રાજદીપ સિંહ ઝાલાએ વિગતો આપી હતી કે હત્યારાઓ રીઢા ગુનેગાર છે. જેમણે 20મી જાન્યુઆરીના રોજ વાપીના GIDC ચાર રસ્તાથી અખિલેશની રિક્ષા ભાડે કરી હતી. ત્યારબાદ રિક્ષા ચાલકને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
રિક્ષા ચાલકે પ્રતિકાર કરતા હત્યા કરી નાખી
રિક્ષા ચાલકે પ્રતિકાર કરતા તેને ચાકુના ઘા મારી મોત નિપજાવી તેની પાસે રહેલા 4,000 રૂપિયા, ATM કાર્ડ, આધાર કાર્ડ લઈને ફરાર થઈ ગયા હતા. હત્યારાઓમાં સામેલ અજય ઉર્ફે બચ્ચી છોટેલાલ નિશાદ, નવાબઅલી રવાબઅલી મહમદ ઉમર ખાન, નજીમ અહમદ તુફેલ અહમદ શેખ, સદામ મહમદરફીક શેખ છેલ્લા ઘણા સમયથી વાપી-સેલવાસમાં ઘરફોડ ચોરી અને રિક્ષા ચાલકોને લૂંટી લેતા હતાં. આ આરોપીઓ એટલા રીઢા ગુનેગાર છે કે 3-4 હજાર રૂપિયા માટે કોઈની હત્યા કરતા પણ અચકાતા નહોતા.
રિક્ષા ચાલકોને બનાવતા હતા નિશાન, પોલીસે 3 લૂંટના ગુન્હા ઉકેલ્યા
હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લૂંટના ગુનામાં મેળવેલો મોબાઇલ, 14,305 રૂપિયાની રોકડ, હત્યામાં વપરાયેલ ચાકુ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હિંસક વૃત્તિના લૂંટારાઓએ રિક્ષા ચાલકને લૂંટી લેવા 120 રૂપિયામાં રિક્ષા ભાડે કરી હતી.