વલસાડ : વલસાડ તાલુકાના ઓઝર ગામે ખાપરિયાવાડમાં રહેતા આયુષ જીતેન્દ્રભાઈ પટેલ અને તેના અન્ય 3 મિત્રો સાથે સાઇકલ ઉપર સવાર થઈ ફરવા નીકળ્યાં હતાં. ત્યારે વણઝાર નદીમાં ગૌમુખ ડેમ નજીકમાં બપોરે 1 વાગ્યાની આસપાસ નદીના ડેમ નજીકમાં નાહવા માટે ઉતર્યા હતાં. જે બાદ 3 મિત્રો બહાર નીકળી ઘરે જવા કહેતાં રહ્યાં હતાં. જોકે બનવાકાળને આયુષે બીજા મિત્રોની વાત ન માની છેલ્લી ડૂબકી મારી આવું કહી નદીમાં ઝંપલાવ્યું હતું.
છેલ્લી ડૂબકીએ કિશોરનો જીવ લીધો : 3 મિત્રો નદીમાંથી બહાર નીકળી આવી ઘરે જવાનું કહેતા હતાં ત્યારે આયુષે તેના મિત્રોને એક છેલ્લી ડૂબકી મારીને આવું એવું જણાવી નદીના પાણીમાં ડૂબકી મારી હતી. પણ આ ડૂબકી સાચે જ તેની છેલ્લી ડૂબકી બની ગઇ. આયુષ નદીના ઊંડા પાણીમાં ગયા બાદ બહાર ન નીકળતાં તેની સાથે ગયેલા 3 મિત્રોએ બૂમાબૂમ કરી હતી તેથી નજીકમાં ઉભેલા કેટલાક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતાં.
નદીમાં ડૂબી ગયેલ કિશોરને સ્થાનિક યુવકે બહાર કાઢ્યો : 3 કિશોરોએ બચાવો બચાવોની બૂમો મારતા સ્થાનિક કક્ષાએ ઉભેલા કેટલાક લોકો સ્થળ ઉપર દોડી આવી ડૂબેલા આયુષને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરી હતી. આયુષને શોધી કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં વિના વિલંબે લઈ જવામાં આવ્યો હતો.
તબીબે મૃત જાહેર કર્યો : હોસ્પિટલમાં લઇ જવાય તે પહેલાં દમ તોડ્યો આયુષને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધરમપુર સાઈનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનો અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઇ હતી. પરિવારમાં એકનો એક દીકરો હોઇ અચાનક ડૂબીને મૃત્યુ પામ્યો હોવાની ખબર મળતા જ પરિજનોમાં આક્રંદ જોવા મળ્યું હતું.
વલસાડ રૂરલ પોલીસમાં જાણકારી અપાઈ : ઘટના બનતા સમગ્ર ઘટનાની જાણકારી ગામના સરપંચને કરતા તેઓ સ્થળ ઉપર આવ્યાં હતાં. ઘટના અંગે વલસાડ પોલીસમાં જાણકારી આપતા પોલીસે હાલ તો જાણવા જોગ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃત કિશોરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ અંતિમવિધિ માટેની તજવીજ હાથ ધરાઈ છે.