વલસાડ : દામોદર ખુશાલદાસ બોટાદકરની પંક્તિ "જનની ની જોડ સખી નહી જડે રે લોલ.. ખરેખર યથાર્થ કરતી માતા ધરમપુર વિસ્તારમાં તેના 13 વર્ષીય બાળકને કિડની આપી મોતના મુખમાંથી ઉગારી લીધો છે. માતા માટે જેવો પણ હોય એનું સંતાન હંમેશા એને જીવથી વધારે જ પ્રેમ આપતી હોય છે, ત્યારે મધ્યમવર્ગીય પરિવારની આ માતાએ દીકરાને નવજીવન આપ્યું છે.
શું છે સમગ્ર વાત : ધરમપુરના ત્રણ દરવાજા નજીક રહેતા અને ચાની કીટલી ચલાવી જીવન ગુજરાન ચાલતા ટેલર પરિવાર સામાન્ય પરિવારની જેમ જ જીવન નિર્વાહ કરી રહ્યા હતા. પુત્રને એક દિવસ પેશાબ અટકી જતા અનેક સ્થળે તબીબી તપાસ કરાવી હતી. જેમાં ઓપરેશન કરાવવા માટે તબીબોએ ભલામણ કરી એટલું જ નહીં ઓપરેશન કરાવ્યા બાદ બાળક ઠીક ન થયું હતું. ત્યારે પરિવારજનો મુંઝવણમાં મુકાયા અને ફરી તેને સોનોગ્રાફી સહિત રિપોર્ટ કરાવતા કિડની માત્ર 5 ટકા જ કામ કરતી હોવાની માહિતી તબીબે આપી હતી અને તેને અમદાવાદ સારવાર અર્થે ખસેડવા જણાવ્યું હતું.
પરિવારના પગ તળેથી જમીન સરકી : 13 વર્ષીય પ્રિન્સને પેશાબમાં મુશ્કેલી થતાં તેમણે સ્થાનિક ડોક્ટરોની સલાહ લીધી જે બાદ અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જવાનું પિતા બિપિન ટેલર અને માતા ભાવના ટેલરે નક્કી કર્યું હતું. અમદાવાદ ખાતે આવેલી કિડની હોસ્પિટલમાં તપાસ કરાવતા બન્ને કિડની ફેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેમ બને તેમ કોઈ કિડની મળે તો તેનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પરિવારને જણાવવામાં આવતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે માતા ભાવનાબહેને પોતાની એક કિડની પોતાના પુત્રને આપવાનું નક્કી કર્યું હતું. તબીબી પરીક્ષણ કરતા કિડની મેચ થઈ અને ત્રણ માસ પહેલા જ બન્ને ઓપરેશન કરી પ્રિન્સને કિડની આપવામાં આવી હતી હાલ માતા પુત્ર બન્ને સ્વાસ્થ્ય છે.
આર્થિક કસોટી : મધ્યમ વર્ગીય પરિવાર હોય કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન માટે તેઓ પૈસા ખર્ચી શકે એટલા સક્ષમના હોય, તેથી સરકારી કાર્ડમાં સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું. છતાં ત્યાં રહેવા માટે અને ત્રણ માસની ટ્રીટમેન્ટ માટે પરિવારને અંદાજે દોઢ લાખ સુધીનો ખર્ચ થયો હોવાનું પરિવાર જણાવે છે, એટલું જ નહિ ત્રણ માસ સુધી તેમની ચાની કીટલી બંધ રહેતા તેમને આર્થિક સંકળામણ પણ ઉભી થઇ ગઇ હતી.
માતાની આંખોમાં આનંદ : સતત ત્રણ માસ સુધી તેમનું જેના દ્વારા આર્થીકોપાર્જન થતું હતું. તે ટી સ્ટોલ ફરી ધરમપુર બામટી ખાતે આવેલા કેરી માર્કેટમાં શરૂ કરી ધીમે ધીમે ફરી પરિવાર પગભર થઈ રહ્યો છે. ભાવના બહેનને પોતાના પુત્રને બચાવી લેવાનો હરખ અને આંખોમાં પોતે આપેલ બલિદાન બાદ પુત્રની જિંદગી બચી ગઈ તેનો અનેરો આનંદ દેખાઈ આવે છે. હાલમાં માતા ભાવના બેન ફરી ટી સ્ટોલ પર કામે લાગી ચૂક્યા છે, ત્યારે એક માતા મમતા ત્યાગ બલિદાનની મૂર્તિ સાબિત થતા કોઈના પણ મુખે શબ્દો નીકળી જ જાય કે..મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત જો..જનની ની જોડ સખી નહી જડે રે લોલ.