સાબરકાંઠા : ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં એક મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણી પ્રચારની તૈયારીમાં લાગ્યા છે તથા જીતના દાવા રજૂ કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર : ચૂંટણી પંચની જાહેરાત અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા સહિત તમામ જિલ્લાઓની 66 જેટલી નગરપાલિકામાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોટાભાગની નગરપાલિકા ભાજપ શાસિત છે. ફરી ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ જીતના દાવા રજૂ કર્યા છે.
સાબરકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકા : સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, પ્રાંતિજ સહિત તલોદ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરાઈ છે. આ ત્રણેય નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં 7 વોર્ડ માટે ફોર્મ ભરાશે. આ 7 વોર્ડના 17,962 જેટલા મતદાતાઓને રીઝવવા માટે તમામ પક્ષોએ તૈયારીઓ હાથ ધરી છે.
શાસન અકબંધ રાખવા ભાજપનો પ્રયાસ : સાબરકાંઠા જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓ આગામી સમયમાં પણ અકબંધ રહે તે માટે ભાજપ અત્યારથી જ પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ તેમજ આ વખતે ફરી એકવાર ભાજપ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વિજેતા બનશે તેવો આશાવાદ સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કર્યો છે.
"વિકાસમાં અમે આગળ વધ્યા છીએ. જીત માટે અને વિકાસ માટે કામ કરતા રહીશું. પાણી માટેના પ્રશ્નો દૂર કરીશું." -- બ્રિજેશ બારોટ (પ્રમુખ, ખેડબ્રહ્મા શહેર ભાજપ)
કોંગ્રેસે બાજી પલટવા કમર કસી : બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ ખેડબ્રહ્મા નગરપાલિકા અંકે કરવા કમર કસી છે. ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત શર્માએ જણાવ્યુ કે, ખેડબ્રહ્મા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ વિજેતા બની છે. હાલમાં જાહેર થયેલી ખેડબ્રહ્મા નગરપાલિકા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસે પણ ફરી જીતનો આશાવાદ વ્યક્ત કરી રહી છે.
"ગત ચૂંટણીમાં એક વોર્ડ થકી હાર થઈ હતી, આ વખતે ભ્રષ્ટાચાર સામેના વિરોધ સહિત વિવિધ કામો અંતર્ગત કોંગ્રેસ ફરીથી સત્તા પર આવશે." -- અમિત શર્મા (પ્રમુખ, ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ)
જોકે, ખેડબ્રહ્મા નગરપાલિકામાં સત્તા કોની પાસે રહેશે એ તો આગામી સમય બતાવશે. પરંતુ અત્યારથી જ ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ પક્ષોમાં રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.