સુરત: જિલ્લાના માંગરોળ તાલુકાના મોરાઆમલી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગામના મુખ્ય માર્ગ પર એક કદાવર દિપડાએ દિવસ દરમિયાન એક વાછરડા પર હુમલો કરી તેને ગળાથી પકડી લીધું હતું. ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુકેશ પંડ્યા નામના વાહનચાલક અને એક અન્ય વાહનચાલકે દિપડાને વાછરડાને શેરડીના ખેતર તરફ ખેંચી જતા જોયો હતો.
દીપડો વાછરડાને ખેતરમાં ખેંચી ગયો: બંને વ્યક્તિઓએ તાત્કાલિક બૂમાબૂમ કરતાં આસપાસના રહેણાંક વિસ્તારમાંથી ગ્રામજનો દોડી આવ્યા હતા. સ્થાનિકોની ત્વરિત કાર્યવાહીથી દિપડાના પંજામાંથી વાછરડાને બચાવી લેવામાં સફળતા મળી હતી. જોકે, દિપડો પોતાના શિકારને પાછો મેળવવા શેરડીના ખેતર તરફ ધસી રહ્યો હતો. ગામના ખેડૂત હર્ષદ પંડ્યાએ તરત જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગે દિપડાને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
દીપડાનો પશુઓ પર હુમલાઓમાં વધારો: ઉલ્લેખનીય છે કે, છેલ્લા 1-2 વર્ષથી માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓ દ્વારા પશુઓ પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. આ ઘટના વિશેષ ચિંતાજનક એટલા માટે છે કે, તે દિવસના સમયે અને રહેણાંક વિસ્તારની નજીક બની છે, જે સ્થાનિક રહીશો માટે ભયનું વાતાવરણ ઊભું કરે છે. વાંકલ રેન્જ ફોરેસ્ટ RFO હિરેન પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિકો દ્વારા કરાયેલી ફરિયાદને લઇને અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વાછરડાં સિવાય અન્ય કોઈ પ્રાણી કે વ્યક્તિ ને દીપડા એ નુકશાન પહોંચાડ્યું નથી.દીપડાને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: