બનાસકાંઠા: ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ધાનેરા ખાતે જન આક્રોશ સભા યોજાઈ હતી. જે સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ધાનેરાનાં વર્તમાન અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતનાં આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. છેલ્લા 20 દિવસથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે જન આક્રોશ સભામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા.
ધાનેરામાં જન આક્રોશ સભાનું આયોજન: ધાનેરા ખાતે યોજાયેલી જન આક્રોશ સભામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના નેતાઓએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાના મામલે યોજાયેલી જન આક્રોશ સભામાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નાથાભાઈ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, ધાનેરાના તાણા વાણા પાલનપુર સાથે જોડાયેલા થરાદની પાછળ માત્ર રણ અને પાકિસ્તાન છે. પાણી માટે ધાનેરાને આદેશમાં નથી અપાયો. તો પાણી કઈ રીતે મળશે? ધાનેરાના તળાવને ભરાવવાનો વાયદો કરાય છે. પરંતુ તળાવ કોઈ નક્શામાં નથી. સરકાર જાડી ચામડીની છે. લોકોને સંબોધતા જણાવ્યું કે, હજુ વધારે કાર્યક્રમો કરવા પડે તો તૈયાર રહેજો. સંઘ કે કોંગ્રેસને આની સાથે કોઈ લેવા દેવા નથી. અમે ધાનેરા માટે એક મંચ પર છીએ. ધાનેરાને 500 કરોડના રોડનું વચન આપ્યું હતું. તે ફાઈલ ક્યાં ગઈ કોઈને ખબર નથી. આ રીતે તેઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
જન આક્રોશ સભામાં અપક્ષ ધારાસભ્ય પહોંચ્યા: જન આક્રોશ સભામાં ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજી દેસાઈ પહોંચ્યા હતા અને તેમને જન આક્રોશ સભા સંબોધતા કહ્યું કે, ધાનેરા તાલુકાની પ્રજા નવાબી શાસનથી પાલનપુર સાથે જોડાયેલું છે. તેને તોડી પાડવાનું કાર્ય સરકારે કર્યું છે. ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આયોજીત આ જન આક્રોશ રેલીમાં 80 વર્ષના પુર્વ ધારાસભ્ય હાજર રહ્યા હતા. જેઓ ભાજપમાં જન સંઘ સમયથી તેઓ સક્રિય રહ્યા છે. આજે ધાનેરા માટે લડી રહ્યા છે. સરકારને ગેર માર્ગે દોરી વિભાજન થયું છે. વિભાજનમાં નવા જિલ્લામાં ઓછા તાલુકા હોય અને જૂના જિલ્લામાં વધારે તાલુકા હોય, ત્યારે નવા થરાદ વાવ જિલ્લામાં વધારે તાલુકા ભેળવી સરકારને ગેરમાર્ગે દોરી છે. આ વાત સરકારના ધ્યાને આવી છે. બંને જિલ્લાને 7 તાલુકા મળતા ધાનેરાના સામાજિક, આર્થિક, આરોગ્ય, શૈક્ષણિક રીતે પાલનપુર સાથે જોડાયેલું છે. તેથી ધાનેરાને બનાસકાંઠામાં સમાવવામાં આવે તેવી માંગ છે.
ધાનેરાના લોકોની માંગ: આ જન આક્રોશ સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ પહોંચ્યા હતા અને તેઓએ શંકર ચૌધરી ઉપર નિશાન સાધ્યું અને જન આક્રોશ સભાને સંબોધતા જણાવ્યું કે, ધાનેરાનાં લોકો સરકારનાં નિર્ણયથી દુઃખી છે. જ્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમારે બનાસકાંઠા જઈને લડવાનું છે, ત્યારે મને ખુશી થઈ હતી. તમારા સહકારના તાણા વાણા રાજકારણે તોડી નાખ્યા હતા. શંકર ચૌધરી પર નિશાનો સાધતા તેમણે કહ્યું કે, તમારા જેટલી સહકારી તાકાત હોય, તો માટે મત માગવા જવું ન પડે. તમારે તો દર વખતે વિધાનસભા બદલાવી પડે છે. તેઓ થરાદને એક સર્વ શ્રેષ્ઠ જિલ્લો બનાવવાની વાત કરે છે.
પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે કરી માંગ: પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જણાવ્યું કે, મે શંકર ચૌધરી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, મારા હાથમાં કાંઈ નથી. માટે તમે CMને મળો. ત્યાંથી નિર્ણય લેવાયો છે. ત્યારબાદ એક વગદાર માણસ સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે શંકરભાઈ કહે તેમજ થાય છે. મફતલાલ પુરોહિતે જન આક્રોશ સભામાં કહ્યું કે, આત્મ દહન કરવાનો કાર્યક્રમ કરવાનું આવશે, તો પહેલા આત્મદહન હું કરીશ. હું હાથ જોડીને કહું છું કે શંકરભાઈ પાછા વળી જાઓ, બધુ અહીં જ મૂકીને જવાનું છે. આ બાબતે મફતલાલ પુરોહિતે હરજીવનભાઈને વાત કરી તો તેમણે કહ્યું કે, મારી ભૂલ થઈ છે. આપણા CM લાગણીશીલ માણસ છે. તો સરકાર આ બાબતે સંવેદનશીલ કેમ નથી બનતી. લોકોની લાગણી સમજીને સરકાર ધાનેરાને પાછું બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરે. તેમ માંગણી કરી હતી.
આ પણ વાંચો: