વલસાડ: કોરોનાને પગલે વલસાડ જિલ્લામાં ફસાયેલા શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારમાં આ સમગ્ર કામગીરી પાલિકાને સોપવામાં આવી છે જ્યારે ગ્રામીણ કક્ષાએ આ કામગીરી મામલતદાર કચેરીને સોપવામાં આવી છે. જેને પગલે અનેક લોકો પોતાના વતન જવા માટે રજીસ્ટ્રેશન કરાવવા પડાપડી કરી રહ્યા છે.
પાલિકા અને મામલતદાર કચેરીના સંકલનના અભાવે અનેક શ્રમિકો ધરમના ધકકા ખાઇ રહ્યા છે. સોમવારે વલસાડ મોગરાવાડી ઝોન ઓફિસ ખાતે સેંકડોની સંખ્યામાં શ્રમિકો રજીસ્ટ્રેશન કરાવવા માટે ઉમટયા હતા. જોકે મોગરાવાડી ઓફિસના અધિકારીઓએ આ તમામને મામલતદાર કચેરી જવા માટે સૂચન કરવામાં આવ્યુ હતું. જ્યારે મામલતદાર કચેરીએ શ્રમિકો પહોંચ્યા ત્યારે તેેઓએ આ સમગ્ર લોકોને રજીસ્ટ્રેશન માટે મોગરાવાડી જોન ઓફીસ જવા માટે કહેવામાં આવ્યું હતું.
વારંવાર લોકોને ધક્કા ખવડાવતા શ્રમીકો રોષે ભરાયા હતા અને વલસાડ રેલવે સ્ટેશન પર પહોચ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ડીવાઇએસપી તેમજ સીટી પીઆઇ સહિતનાઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તમામ લોકોને સમજાવી પરત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે એક તરફ શ્રમિકો પોતાના વતન જવા માટે નાણાં ખર્ચવા પણ તૈયાર છે, પરંતુ તેઓને રજીસ્ટ્રેશન માટે તેમજ મેડીકલ માટે અધિકારી અને કચેરીઓના સંકલનના અભાવે યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે.