જુુનાગઢ: કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાને કારણે ગતરાત્રિથી જ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે ખૂબ જ વેગથી પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે ગિરનાર રોપવેની સેવા આજ સવારથી જ શરૂ થઈ શકી નથી.
પવનની ગતિ મર્યાદામાં ઘટાડો થશે ત્યાર બાદ રોપવે ફરી કાર્યરત થઈ શકે છે. જેને કારણે જે લોકો ગિરનાર રોપવેમાં મુસાફરી કરવા માટે જુનાગઢ આવ્યા છે તેમને પવનની ગતિ સામાન્ય થાય ત્યાં સુધી રાહ જોવી પડી શકે છે.
ગિરનાર રોપવે સેવા પ્રભાવિત
ગઈકાલ સાંજથી જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, સાંજના સમયે શરૂ થયેલો પવન આજે વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે, જેને કારણે ગિરનાર રોપવેની સેવા પવનની ગતિ મર્યાદા વધારે હોવાને કારણે બાધિત થઈ છે.
રોપવેની મુસાફરીનો આનંદ માણવા આવેલા લોકો નિરાશ
રોપવેનું સંચાલન થઈ શકે તે પરિસ્થિતિએ પવનની ગતિ પહોંચે ત્યારબાદ તમામ નિરીક્ષણને અંતે રોપવે સેવા ફરી પ્રવાસીઓ માટે કાર્યરત થશે, પરંતુ હાલ પવનની ગતિને કારણે રોપવે સેવા તમામ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે.
એશિયાનો સૌથી લાંબો રોપવે
મહત્વપૂર્ણ છે કે, ગિરનાર રોપવે એશિયાનો સૌથી લાંબો રોપવે પણ માનવામાં આવે છે, ઊંચાઈ અને લંબાઈને કારણે પણ પવનની ગતિ મર્યાદા રોપવેના સંચાલન પર વિપરીત અસરો ઊભી કરે છે, જેને કારણે પવનની ગતિ વધતાં જ રોપ વે સેવા બંધ કરી દેવામાં આવે છે.
ઉત્તર ભારત અને કાશ્મીરમાં પડેલી હિમવર્ષાને કારણે ગત રાત્રિના સમયથી જ જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં બર્ફીલા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જે રોપવેના સંચાલન માટે અનુકૂળ ન હોવાને કારણે પણ રોપવે સેવા હાલ આજ વહેલી સવારથી બંધ રાખવામાં આવી છે.