જૂનાગઢ : વર્ષ 2009માં સરકારે ખેડૂતોની ખેતી લાયક જમીનના સર્વે કરીને તેનો રેકોર્ડ બનાવવા માટે એક પ્રક્રિયા શરૂ કરી હતી. આ સર્વે માટે એક માત્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં અંદાજે 700 કરોડ કરતા વધારેનો ખર્ચ થયો છે. તેમ છતાં સર્વેમાં વ્યાપક ગોટાળા થતા રાજ્ય સરકારે ડિજિટલ સર્વે માટે મુદ્દત ફરી એક વર્ષ માટે વધારી છે, જેને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે.
ખેતીલાયક જમીનનો ડિજિટલ સર્વે : વર્ષ 2009માં કેન્દ્ર સરકારે ખેડૂતો પાસે રહેલી ખેતીલાયક જમીનનો સર્વે કરવાને લઈને એક મુસદ્દો તૈયાર કર્યો હતો. ખેડૂતો પાસે રહેલી ખેતીલાયક જમીનની સાચી વિગતો મળે તેમજ સમગ્ર ખેતીલાયક જમીનનો રેકોર્ડ સરકાર પાસે ઉપલબ્ધ બને તેવા ધ્યેય સાથે સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2010 થી ગુજરાત સરકારે રાજ્યના અંદાજિત 12,000 જેટલા ગામડાઓમાં આવેલ ખેતીલાયક જમીનના ડિજિટલ સર્વે માટે પ્રમોલગેશન પ્રક્રિયા શરૂ કરી હતી.
તારીખ પે તારીખ : આ યોજના શરુ થયાને આજે 13 વર્ષ જેટલો સમય પૂરો થઈ ચૂક્યો છે, તેમ છતાં ખેતીલાયક જમીનનો ડિજિટલ સર્વે પૂર્ણ થયો નથી. જેના કારણે વધુ એક વખત રાજ્યની સરકારે સર્વે કે ડિજિટલ સર્વેમાં ખેડૂતોને જે મુશ્કેલી પડી હતી તે માટે વાંધા અરજી રજૂ કરવા માટે ડિસેમ્બર 2025 ની સમય મર્યાદા નક્કી કરી છે. આ સાથે જ ખેડૂતોએ સરકારની મહેચ્છા પર સવાલો ઉભા કર્યા છે.
ખેડૂતો માટે શું સમસ્યા સર્જાઈ ? સરકાર દ્વારા ડિજિટલ સર્વેની કામગીરી ખાનગી એજન્સીઓને સોંપવામાં આવી, આ એજન્સીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં જમીનનો આકાર અને જમીનનું ક્ષેત્રફળ બદલવાની સાથે એક ખેડૂત ખાતેદારની જમીન બીજા ખેડૂત ખાતેદારની જમીનમાં ભળી જતાં સૌથી મોટી મુશ્કેલી ખેડૂતો માટે ઊભી થઈ હતી. જોકે, આ સમસ્યા સરકારને ધ્યાને આવતા વાંધા અરજી કરવા માટેની મુદત છેલ્લા 13 વર્ષથી સતત વધારવામાં આવી રહી છે.
સર્વેના કારણે સર્જાયેલી વિસંગતાઓ : કેટલાક ખેડૂત ખાતેદારની જમીનના આકાર અને ક્ષેત્રફળમાં પણ વધારો કે ઘટાડો થયો છે, આ સ્થિતિમાં એક જમીનમાં નોંધાયેલા વારસદાર ખેડૂત ખાતેદારો પોતાના હિસ્સાની જમીન અલગ કરી શકતા નથી. જેના કારણે પરિવારમાં પણ નાના-મોટા ઘર્ષણ વધી રહ્યા છે. ડિજિટલ સર્વે બાદ કેટલાક ખેડૂતોની જમીનમાં મોટો ઘટાડો થયો, તો કેટલાકની જમીનમાં મોટો વધારો થયો છે. કેટલાક ખેડૂત ખાતેદારોની જમીન બે ખેતર વચ્ચેથી નીકળતા માર્ગ પર જોવા મળી, તો કેટલાક ખેડૂતોની જમીનમાંથી માર્ગ નીકળતો જોવા મળ્યો. આવી અનેક વિસંગતતાઓના કારણે ખેડૂતો મૂંઝવણમાં છે.
સર્વે રદ કરીને રી-સર્વે કરવા માંગ : રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલ ડિજિટલ સર્વે બાદ પણ અનેક વિસંગતા છે. જેથી તમામ ખેતીલાયક જમીનનો સર્વે કરવાની કામગીરી સચોટ રીતે કરી શકે તેવી સાધન સંસાધન ધરાવતી એજન્સીઓને ફરીથી આ કામ સોંપવું જોઈએ.