નવનિયુક્ત SP દ્વારા અનોખા અંદાજમાં દિવાળીની ઉજવણી
ગરીબ બાળકોને વહેંચ્યા ફટાકડા અને મીઠાઈઓ
લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળી કર્યુ આયોજન
વલસાડ: ખોબા ગામ ધરમપુર થી 45 કિમી દૂર આવેલું છે જ્યાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય સ્વરાજની કામગીરી કરવામાં આવી રહી છે ગામના લોકોને પગભર કરવા સંસ્થા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ ચલાવી રહી છે. દિવાળી પર્વ નિમિત્તે વલસાડ જિલ્લાના નવા આવેલા પોલીસ અધિક્ષક ડો.રાજદીપ સિહ ઝાલા દ્વારા ગરીબ પરિવારો કે જેઓ દિવાળી જેવા તહેવારમાં મીઠાઈ ખરીદી નથી શકતા કે ફટાકડા પણ જેમના બાળકોના નસીબમાં નથી, એવા પરિવારોના ચહેરા પર સ્મિત રેલાય એવા ઉમદા હેતુથી દરેક પોલીસ મથકમાં આદિવાસી વિસ્તારના બાળકોને ફટાકડા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
150 થી વધુ બાળકોને કરી ઉજવણી
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપ સિંહ ઝાલા , LCB પી આઇ ગામીત તેમજ તેમની ટીમ આજે ખોબા પહોંચી હતી અને 150 થી વધુ બાળકોને તેમના હસ્તે મીઠાઈની વહેચણી કરી હતી તેમજ બાળકો સાથે ફટાકડા પણ ફોડ્યા હતા.
છેવાડાના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ સાથે દિવાળીની ઉજવણી
આજે પણ વલસાડ ધરમપુરના છેવાડાના ગામોમાં વાહનો ખૂબ જૂજ છે ત્યારે કોઇ વાહન ગામમાં પ્રવેશ તો બાળકોમાં સહેજે કુતૂહલ જોવા મળતું હોય છે ત્યારે આવામાં તેમના માટે DSP દ્વારા લાવવામાં આવેલી આતશબાજી જોઈ બાળકો દંગ રહી ગયા હતા. જિલ્લા પોલીસ વડા એ ખરેખર જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચી તેમને મીઠાઈ તથા ફટાકડા આપી ખરા અર્થમાં દિવાળીની ઉજવણી સાર્થક કરી છે.