વલસાડ : ગુજરાત સરકાર દ્વારા દરેક પ્રકારના વ્યવહાર ડીજીટલાઈઝેશન કરવામાં આવે તે માટે વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જેને લઈને અનેક ગ્રામ પંચાયતોને ડિજિટલ કરવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું માંડવા ગ્રામ પંચાયતને ડિજિટલ જાહેર કરાય છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. અહીં આવનારા લોકો નેટવર્ક ન આવવાને કારણે અને ઇન્ટરનેટ ન મળવાને કારણે કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડતી હોય છે.
ડિજિટલ ગ્રામ પંચાયતની જાહેરાત થઈ : વલસાડના માંડવા ગ્રામ પંચાયતને ડિજિટલ ગ્રામ પંચાયત તરીકેની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અહીં આગળ ડિજિટલ કામગીરી નહિવત પ્રમાણમાં થઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કામગીરી માટે આવતા લોકોને ઇન્ટરનેટ ન મળવાને કારણે તેમના કામ અટકી રહ્યા છે. કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોને ગ્રામ પંચાયત કચેરી સુધી બેસી રહેવાની ફરજ પડે છે.
શું હોય છે ડિજિટલ ગ્રામ પંચાયતમાં : ડિજિટલ ગ્રામ પંચાયતમાં તમામ પ્રકારના વ્યવહારો ડિજિટલ રીતે કરવામાં આવે છે, એટલે કે ગ્રામ પંચાયતનો વેરો હોય લાઈટ બિલ હોય કે પછી અન્ય પ્રકારના તમામ વ્યવહારો એટલે કે આવક જાતિના દાખલા જન્મ મરણના દાખલા તેમજ સાતબાર અને આઠની નકલ પણ ડિજિટલ કોમ્પ્યુટરરાઈઝથી જ ઓનલાઇન કાઢી આપવામાં આવે છે, એટલું જ નહીં ડિજિટલ ગ્રામ પંચાયતમાં પ્રોજેક્ટર તેમજ વીજ પુરવઠો ન ખોરવાય તે માટે ઇન્વર્ટર મૂકવામાં આવે છે, પરંતુ માંડવા ગ્રામ પંચાયતમાં માત્ર કોમ્પ્યુટર મૂકવામાં આવ્યું છે. અહીંથી કેટલીક નકલો કાઢી આપવામાં આવે છે, પરંતુ એમાં ઇન્ટરનેટ ન મળવાને કારણે મહદંશે કામગીરી ખોટકાયેલી જોવા મળે છે.
ડિજિટલ પંચાયત અંગે ગ્રામજનો અજાણ : ડિજિટલ ગ્રામ પંચાયત અંગેની જાણકારી માટે સ્થાનિકોએ ETV Bharat સાથે મુલાકાત કરતા જણાવ્યું કે, ડિજિટલ ગ્રામ પંચાયતની વિશેષતાઓ વિશે તેઓ સાવ અજાણ છે, પરંતુ ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટરાઈઝ વેરા ભરવા તેમજ સાતબાર અને આઠ અ ની નકલો કાઢી આપવામાં આવે છે. મોટાભાગે કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ ન હોવાની સમસ્યા ઊભી થતી હોય છે. જેના કારણે વિવિધ કામો લઈને આવેલા લોકોને ગ્રામ પંચાયત કચેરીએ બેસી રહેવાની ફરજ પડે છે.
સરંપચ કહી મોટી સમસ્યા : ગામના સરપંચ દસમા ધનરીયાના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયતને ડિજિટલ તરીકે જાહેર કરાય છે. કેટલીક સેવાઓ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસમાં વધુ સેવાઓ શરૂ કરાશે, પરંતુ મોટી સમસ્યા અહીં નેટવર્ક ન આવવાની છે. જેના કારણે ઇન્ટરનેટ મહદંશે ખોટકાઈ પડતું હોય છે. તેમ છતાં ઇન્ટરનેટની સમસ્યા સુદ્રઢ થતા આ કામગીરી યોગ્ય રીતે શરૂ થઈ જશે. હાલ સમગ્ર જિલ્લામાં માંડવા ગામની પસંદગી કરવામાં આવી છે. જેને લઇને ગર્વની લાગણી અનુભવાય છે.
ડિજિટલ માત્ર કાગળ પર જ : એક તરફ સરકાર જ્યાં દરેક વ્યવહારો ડીજીટલાઈઝેશન તરફ વાળી વધુ પ્રમાણમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે અંતરિયાળ વિસ્તારના ગામોમાં ડિજિટલ કરી ગ્રામ પંચાયતને ડિજિટલ જાહેર કરવામાં આવી છે, પરંતુ અહીં નેટવર્ક ન આવવાને કારણે ઇન્ટરનેટ ખોટકાઈ પડે છે. સમસ્યા ઠેરની ઠેર રહે છે. જેથી ગ્રામ પંચાયત પર આવતા લોકોને કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડે છે, એટલે કે ડિજિટલ ગ્રામ પંચાયતની જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
આ પણ વાંચો : Google Play Store : ડિજિટલ સ્ટ્રાઈક, તમારા મોબાઈલમાં લોન એપ્લિકેશનમાં હવે કોઈ મારી નહીં શકે તરાપ
ઓફિસમાં બેઠા બેઠા કર્મચારીઓ : માંડવા ગામના સ્થાનિક આગેવાનો જેવો ગ્રામ પંચાયત પર પોતાના કામ અર્થે આવ્યા હતા. તેમણે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ડિજિટલ ગ્રામ પંચાયતની જાહેરાત થઈ છે તે અંગેની જાણકારી અમને થઈ નથી, પરંતુ જ્યાં સુધી ઇન્ટરનેટ નિયમિત રીતે ચાલે નહીં ત્યાં સુધી ડિજિટલ ગ્રામ પંચાયતની જાહેરાત કરવી એ યોગ્ય નથી. કારણ કે અધિકારીઓ કચેરીમાં બેસીને ડિજિટલ ગ્રામ પંચાયતની જાહેરાત કરી દે છે, પરંતુ તેઓને ગામની ભૌગોલિક સ્થિતિ નો ખ્યાલ રહેતો નથી. જેના કારણે મુશ્કેલીનો સામનો ગામના લોકોને કરવો પડે છે.
આ પણ વાંચો : Water Crisis: હર ઘર જળની વાતો કરતી સરકાર આજે પણ કચ્છના બન્ની વિસ્તારમાં નથી પહોંચાડી શકી પાણી, લોકોની દયનીય હાલત
માંડવા ગામમાં 5000ની વસ્તી : કપરાડા તાલુકાના માંડવા ગામમાં ગ્રામ પંચાયતના 14 જેટલા વોર્ડ આવેલા છે. જેમાં અંદાજે 5500 કરતાં વધુ મતદારો છે. આ તમામ લોકો કોઈને કોઈ કામ અર્થે ગ્રામ પંચાયત પર આવતા હોય છે. જેમાં હાલમાં જ સરકારી વિવિધ યોજનાઓ માટે ઉપયોગમાં આવતા આવક જાતિના દાખલા તેમજ જન્મ મરણના પ્રમાણપત્રો માટે ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લેવી પડતી હોય છે. આવા સમયે જ્યારે ઇન્ટરનેટ ખોટકાય પડે ત્યારે કામ લઈને આવેલા લોકોને ગ્રામ પંચાયત કચેરીએ બેસી રહેવાનો વારો આવે છે. આમ ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મોટા ઉપાડે કપરાડા તાલુકાના માંડવા ગામને ડિજિટલ ગ્રામ પંચાયત તરીકે જાહેરાત કરી દેવાય છે, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિને જોતા વાસ્તવિક સ્થિતિ અહીં અલગ જ છે.