વલસાડ : ધરમપુર અને કપરાડા વિસ્તારના ફુંકણા સમાજના લોકોએ પરંપરાગત રીતે દેવ કાર્ય વિધિની ઉજવણી કરી હતી. પિતૃઓના આશીર્વાદ મેળવવા તેમજ સમગ્ર વર્ષ સુખ શાંતિથી વિતે તેવા હેતુથી દેવ કાર્ય વિધિની ઉજવણી કરવામાં આવે છે. દેવ કાર્ય વિધિ માટે વર્ષો જુના પિતૃવિધિની સમગ્ર જાણકારી રાખતા હોય એવા ભગતોને બોલાવામાં આવે છે. જેમના દ્વારા વિશેષ વિધિ માટે યજમાનના ઘર આંગણે એક મંડળ બનાવી આ ઉજવણી કરવામાં આવે છે.
શું હોય છે આ વિધિ : આ ઉજવણીમાં મંડપમાં પિતૃ દેવતાઓ મૂકે છે. તેમજ ગોળાકાર રૂપે બેસી વીસેસ વાજિંત્ર લઈ તેમની ફૂંકણા બોલી એટલે કે તળપદી ભાષામાં પહેલા દેવને રિઝવવામાં આવે છે. જે બાદ મહાદેવ સાથે જોડાયેલી પૃથ્વીની ઉતપત્તીની કથા ગવાય છે. તેમજ આ તમામ વિધિ સતત 15 કલાક સુધી ચાલે છે એટલે કે સાંજે 6 વાગ્ય શરૂ થતી વિધિ છેક વહેલી પરોઢિયે 2થી અઢી વાગ્યા સુધી ચાલે છે. વિધિમાં આવેલા તમામ ભગતો પોતાના પગ પર વિશેષ પ્રકારે ડાકલા બાંધીને તેને હલાવીને વગાડતા જતા વાર્તા લલકારતા હોય છે.
આર્થિક રીતે નબળા લોકો પણ વિધિ કરી શકે : આર્થિક રીતે જે લોકો વિધિ કરી ન શકતા હોય તો તેમના પિતૃદેવો યજમાનને ઘરે પૂજામાં મૂકી શકે છે. એટલે કે ગામના અનેક ઘરોમાં પિતૃ દેવો દેવકાર્ય ઉજવણીમાં જોવા મળે છે. જે ઘરમાં કોઈનું અવસાન થાય તો વૈદિક રીતે જેને લોકો વરસી તરીકે ઓળખે છે. એવી જ રીતે કુકણા સમાજના લોકોમાં દેવ કાર્ય વિધિની ઉજવણી કરે છે. જે સતત 15 કલાક સુધી ચાલતી હોય છે અનેક લોકો આ વિધિમાં હાજરી પણ આપે છે. ડાક ભગતો દ્વારા ઘુમારો અને ઇરા વિધિ ખુબ મહત્વનું છે.
આ પણ વાંચો : Junagadh News: સાધના કુટીરના પ્રસન્ના દેવી દેવલોક પામ્યા, ખ્રિસ્તી ધર્મ અનુસાર કરાઈ અંતિમ વિધિ
શા માટે આ કાર્ય : તેઓમાં એવી માન્યતા છે કે, દેવ કાર્ય વિધિ જો ન કરવામાં આવે તો પિતૃદોષ નડતર થતું હોય છે. જેને લઈને ઘરમાં સુખ શાંતિ રહેતી નથી અને પરિવારમાં માંદગી આવતી રહે છે. જેથી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દેવ કાર્ય વિધિની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. આજે આ વિધિ ધરમપુર નજીકમાં આવેલા શેરીમાળ ગામે યોજાઈ હતી. જેમાં નાસિક વિસ્તારમાંથી આવેલા દેવ કાર્ય ઉજવણી કરનાર વિશેષ લોકોએ તેમની પૂજન વિધિ આરંભી હતી. જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પણ વાંચો : Amazing Engagement: એક સગાઈ ઐસી ભી...અડધી ચા માં સગાઈનો પ્રસંગ સપન્ન
ઇરા અને ઘુમારો મહત્વની વિધિ : મહત્વનું છે કે, જે યજમાનના ઘરે દેવ કાર્ય હોય એમને ત્યાં 15 કલાકની વિધિ પૂર્ણ થયા બાદ ઇરા અને ઘુમારો વિધિ કરવામાં આવે છે. જે વૃદ્ધ અને જાણકાર ભગત હોય એ ઘુમારો લઈ નીકળે છે. ઇરા એટલે કે મૃતક વ્યક્તિની આત્મા તેમાં પ્રવેશ કરતી હોવાની માન્યતા છે. તેના ઉપર પરિવારમાં સૌથી વધુ માયા હોય એવા વ્યક્તિને તે ભેટી પડે છે. જે દેવ કાર્યની અંતિમ વિધિ છે. ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો યથાશક્તિ અનુસાર ઇરાને સ્વૈચ્છિક રીતે ફાળો આપતા હોય છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત રહેલા તમામ લોકો એક સાથે રહી સમૂહ ભોજન કરીને છૂટા પડતા હોય છે.