વલસાડઃ કોરોનાનું સંક્રમણ અટકાવવા દેશ આખામાં લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. બેશક જીવનજરૂરી વસ્તુઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રશાસને પ્રયાસો કર્યા છે. પણ ક્યાંક જોઈતી ચીજવસ્તુ કે દવા ઉપલબ્ધ ન પણ હોય તેવું બનવું અત્યંત સાહજિક છે. સામાન્ય રીતે કોઈ જરુરી વસ્તુ રહણાંક શહેરમાં ન હોય તે અન્ય શહેરમાં લેવા જવું પડે. વલસાડમાં એક પરપ્રાંતિયને વ્યસન મુક્તિની દવાની જરૂરિયાતને પુરી કરવા તંત્રએ સુરત સુધી ગાડી દોડાવી હતી.
રાજસ્થાનના પાલી જિલ્લાના વતની એવા પ્રકાશસિંહ રાજપુરોહિત સામાજિક કારણોસર પોતાના સંબંધીને ત્યાં રોકાવા વાપી આવ્યા હતા. લોકડાઉન જાહેર થતા તેઓને વાપીમાં રોકાઈ જવાની ફરજ પડી હતી. પ્રકાશસિંહને વ્યસનમુક્તિ દવા કાયમ લેવી પડે છે. આ માટેની નિયમિત લેવાની દવા તેઓ રાજસ્થાનથી સાથે લાવ્યા જ હતા. પરંતુ મર્યાદિત માત્રામાં લાવેલી દવા પૂરી થતાં તેઓ શારીરિક પીડા અનુભવી રહ્યા હતા. આથી પ્રકાશસિંહે પાલી, રાજસ્થાનના સ્થાનિક ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો. પરંતુ રાજસ્થાનથી પણ દવા આવી શકે તેમ નહોતું.
આ બાબતની જાણકારી પાણી પુરવઠા વિભાગના સચિવ ધનંજય દ્રિવેદી પાસે પહોંચી. તેમણે તરત જ વલસાડના કલેક્ટર સી.આર.ખરસાણને આ બાબતે ફોન કર્યો કે રાજસ્થાનના વતનીને કોઈ ચોક્કસ દવાની જરૂર છે. કલેકટરે પ્રકાશસિંહની દુવિધા નિવારવા વાપીના પ્રાંત ઓફિસરને આ બાબતે જાણ કરતાં માલુમ પડ્યું કે તેમની જરૂરી દવા વલસાડ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી. અંતે પ્રાંત અધિકારીએ પોતાનું સરકારી વાહન સુરત મોકલી આ દવાની વ્યવસ્થા કરી.
રાજસ્થાનના પાલીના વતની પ્રકાશસિંહ ગુજરાત સરકારના વહીવટી અધિકારીઓની આ સંવેદનશીલતા જોઈને ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, હું લોકડાઉનનો પૂરો અમલ કરીશ અને જ્યાં સુધી લોકડાઉન પુર્ણ નહીં થાય, ત્યાં સુધી રાજસ્થાન જવાની માંગ નહીં કરું. પરંતુ આવી સંવેદનશીલતા મેં ક્યાંય જોઈ નથી.' આવી સંવેદશીલતાને સો-સો સલામ...