વલસાડ: વલસાડના મુકુંદબ્રિજ પર મુંબઈથી અમદાવાદ જતા હાઈવે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા વાહને ઓવરટેક કરવાની લહાઈમાં આગળ દોડતી એક્ટિવા મોપેડને ટક્કર મારતા તેના પર બેઠેલી બે મહિલા આરોગ્ય કર્મચારી રોડ પર પટકાયા હતા. એના પર ભારે વાહનનું ટાયર ફરી વળતા બંને મહિલા કર્મચારીનું ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યું હતું.
કોણ છે આ મહિલાઓઃ વલસાડના એસટી વર્કશોપ અબ્રામામાં રહેતી અને પારડીના બાલદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મેઘાબેન પરમાર અને પારડી આમળી જિલ્લા પંચાયત સબ સેન્ટરમાં ફરજ બજાવતા ઇન્દુબેન પટેલ એકટીવા નંબર જીજે 05/એસ આર 2378 પર બેસી સાંજે વલસાડના મુકુંદ હાઇવે પરથી જઈ રહ્યા હતા. એ સમયે અજાણ્યા વાહને ઓવર ટેક કરતા આગળ ચાલતી એક્ટિવાને ઉડાવી હતી.
ઘટનાસ્થળે મૃત્યુંઃ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી હાઈવે રોડ ઉપર પટકાતા ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. અકસ્માતની ઘટનામાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર જિલ્લા ટ્રાફિકની ટીમ તથા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 108 ની ટીમને ઘટનાની જાણ કરાઈ હતી. 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી બંને મહિલાઓની તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા.
પરિવારમાં શોકઃ જાણ થતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ વલસાડ સિવિલ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. બે મહિલાના મોતથી બન્ને પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. ફરી એકવખત નેશનલ હાઈવે ગોઝારો પુરવાર થયો હતો. વલસાડ રૂરલના પી આઈ એસ એસ પવારના જણાવ્યા અનુસાર અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના બની. જેમાં બે આરોગ્ય મહિલા કરમીના મોત થયા છે. જે અંગે હાલમાં પોલીસની ટીમ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી છે.