પતંગ ચગાવતી વખતે દોરાથી હાથ કે આંગળીઓમાં જરા પણ કાપો પડે તો ચીસ પડી જાય. એક ઉહકારો નીકળી જાય. પંતગ ચગાવવાવાળાની જો આવી હાલત હોય તો જે લોકો માંજો બનાવે છે તેમનું શું? આ સવાલનો જવાબ મેળવવા etv Bharat ની ટીમ પહોંચી હતી એવા વેપારી પાસે જેમની ત્રણ પેઢી આ કામગીરી સાથે સંકળાયેલી છે.
બીજાની પતંગ કાપવા આપણે ધારદાર માંજો પીવડાવીએ છીએ. માંજો બનાવવા માટે કાંચનો ભૂકો અને વિવિધ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરાઈ છે. માંજો બનાવતી વખતે કારીગરના હાથમાં કાપા પણ પડી જાય છે. હાથમાં પડી જતા ચીરાઓના દર્દથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અનેક મુશ્કેલીઓ પડે છે. જમતી વખતે ચમચીઓનો ઉપયોગ કરવો પડે. પરંતુ પહેલાની સરખામણીમાં હાથ કપાઈ જવાનું પ્રમાણ ઘટ્યુ છે. જે ટેકનોલોજીને આભારી છે. કારીગરો હવે વાહનની ટ્યુબનું આવરણ આંગળીઓ પર પહેરાઈ છે. છતાં કેટલીક વાર હાથ અને આંગળીઓ કપાઈ જાય છે. માંજો બનાવતી વખતે પહેલાના સમયમાં સતત ચક્ર ફેરવવું પડતું પરંતુ મોટરનો ઉપયોગ શરુ થતાં કારીગરોને એ તકલીફમાંથી પણ મુક્તિ મળી છે.


પતંગ કાપતી વખતે જેટલી મજા આવતી હોય એટલી જ પીડા માંજો બનાવતી વખતે પણ થાય છે. પરંતુ પાપી પેટ માટે અને પરિવારનું ગુજરાન ચલાવવા માણસ ગમે તેવી તકલીફો અને પીડામાંથી પસાર થવા તૈયાર હોય છે. માંજો પિવડાવવાના ધંધા સાથે સંકળાયેલા લોકો તેનું વાજબી ઉદાહરણ છે.