ઉમરગામ તાલુકામાં એક વર્ષ અગાઉ અંદાજીત એકાદ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી પ્રજાકીય ઉપયોગ માટે સ્થાનિક ધારાસભ્ય અને મુખ્યપ્રધાનના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તાલુકા પંચાયત કચેરી અનેક રીતે સુવિધા સંપન્ન બનાવી છે.
કચેરી બહાર દસ જેટલી LED લાઇટ લગાવવામાં આવી છે. તો 25 જેટલા વૃક્ષો પણ પંચાયતના પ્રાંગણમાં રોપવામાં આવ્યા છે, પરંતુ આ અંગે તાલુકા પંચાયતના અધિકારીઓને મન કોઈ મોટી વાત ના હોય તેમ તાલુકા પંચાયત કચેરી સામે રાત્રી અજવાળા માટેની દસ જેટલી LED લાઇટ ધોમધખતા તાપમાં પણ ચાલુ જ રહે છે. એવી જ રીતે 30 જેટલા વાવેલા વૃક્ષોમાંથી મોટાભાગના વૃક્ષોનું પાંજરા સાથે જ નિકંદન નીકળી રહ્યું છે.
એક તરફ એકાદ કરોડના ખર્ચે બનેલા તાલુકા પંચાયત ભવનમાં માત્ર એક વર્ષની અંદર જ પાણી ટપકવાનું અને પોપડા ખરવાની ફરિયાદો ઉઠી છે. તે માટે પંચાયત ભવનનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. તાલુકા પંચાયતના અધિકારીઓની પણ લાલિયાવાડી છાપરે ચડીને પોકારી રહી છે. જ્યારે સરકાર વીજળી બચાવો અને વૃક્ષો વાવોની વાતો કરી રહી છે, ત્યારે એ જ સરકારની સરકારી કચેરીમાં કામ કરતા અધિકારીઓ છડેચોક વીજળીનો વ્યય કરી રહ્યાં છે. વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યાં છે. તેમ છતાં તે અંગે કોઈ કાળજી દાખવવામાં આવતી નથી.