ઉમરગામ સર્કિટ હાઉસ ખાતે વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે લોક પ્રશ્નોની રજૂઆત સાંભળી હતી. લોક દરબારમાં રજૂઆત કરવા આવેલા લોકોમાં ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં ESW કોલોનીમાં રહેતા 700થી વધુ મતદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે રજૂઆત કરી હતી કે, તેઓ મતદારો છે. પરંતુ તેમનો વિસ્તાર નગરપાલિકામાં કે ગ્રામપંચાયત કે નોટિફાઇડમાં આવતો નથી. એ મુજબ તેઓ મતદારો હોવા છતાં તેઓને અન્ય સરકારી સવલતો મળી શકતી નથી.
આ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી છે. તો સત્વરે તેમના વિસ્તારને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે. એ ઉપરાંત પાટકર સમક્ષ ઝિંગા તળાવો અંગે, નેશનલ હાઇવેમાં જમીન જતી હોય તેની અવેજીમાં ફાળવેલ જમીન પર મકાનો બનાવવાની પરમિશન અંગે, સસ્તા અનાજની દુકાનોમાં રાત્રે 2 વાગ્યે અનાજ અપાતું હોવાનું તેમજ પળગામ વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવા અંગે, કાલય ગામના 19 મતદારોના નામ મતદાર યાદીમાંથી બાકાત કર્યા હતા. તેનો ફરી સમાવેશ કરવામાં આવે જેવા 12 જેટલા પ્રશ્નો રજૂ થયા હતા.
આ અંગે પાટકરે જણાવ્યું હતું કે, ખૂબ જ ઓછા લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. એટલે માની શકાય કે, તેઓના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ થતું આવ્યું છે. તેમ છતાં જે પ્રશ્નો રજૂ થયા છે. તે અંગે જે તે એજન્સી અને અમલીકરણ અધિકારીઓને સૂચના આપી તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
પાટકરે ઝિંગાના તળાવમાં જેણે રીન્યુ પ્રક્રિયા કરી નથી. તેઓ ગેરકાયદેસર હોવાનું જણાવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. શહેરી વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરો હલકી અને જૂની ઈંટો વાપરતા હોવાની ફરિયાદ બાબતે કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા હોય તેમ જૂની ઈંટ વાપરવાથી બાંધકામ મજબૂત થતું હોવાનું જણાવી ભ્રષ્ટાચારના મુદ્દાને હસી કાઢ્યો હતો.
આ ઉપરાંત લોક પ્રશ્નોની બેઠકમાં મામલતદાર, ચીફ ઓફિસર સહિત ગણ્યા ગાંઠ્યા ગ્રામપંચાયતના સરપંચો-સભ્યો ઉપસ્થિત રહેતા એકંદરે સમગ્ર બેઠકનો ફિયાસ્કો થયો હતો.