ઉમરગામ : હાલ જ્યારે સમગ્ર વિસ્તારમાં કોરોના વાઇરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. તેને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ખાતેની વિવાદિતમાં રહેવા પામતી પાલિકામાં આવી મહામારીની પરિસ્થિતિમાં પણ ફરી એક વિવાદ ઉભો થયો છે. જેમાં ગુરુવારે સવારના સમયે ઉમરગામ પાલિકાના ટાઉનથી લઈ અકરા મારુતિના મંદિરના મુખ્ય માર્ગ પરના ચાર રસ્તાના ગૌરવ પથ પર પાલિકાનો કોન્ટ્રાકટર પોતાના માણસો અને મજૂરો પાસે ગૌરવ પથ પરના પેવર બ્લોક ઉખાડીને નવા બ્લોક બેસાડવાની કામગીરી કરાવતો નજરે પડ્યો હતો.
જે બાબત ઉમરગામ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી અને પ્રજામાં આશ્ચર્યની સાથે રોષ જોવા મળ્યો હતો. એક બાજુ લોકડાઉન અને સરકારના જાહેરનામાને લઇ પ્રજા ઘરમાં રહેવા મજબૂર બની છે. ત્યારે કોન્ટ્રાકટરે પોતાની કામગીરી ચાલું રાખી છે.
ત્યારે હાલના સમયમાં પણ પાલિકામાં જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તેને લઇ પ્રજામાં અનેક સવાલો ઉભા થયા છે. સાથે-સાથે પાલિકાની આ બેવડી નીતિ સામે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો હતો.