વાપી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી ઘેરાયેલા વલસાડ જીલ્લાનાં લવાછા ગામ ખાતે હોળી દરમિયાન મેળો ભરાયો હતો. જેમાં વેપાર માટે આવેલા 100 જેટલા પરિવારો લોકડાઉનને કારણે ફસાઈ ગયા છે.
કોરોના વાઈરસના કહેરના કારણે આ મેળામાં આવેલા અનેક વ્યવસાયિકો અહીં લોકડાઉનના કારણે ફસાઈ ગયા છે. મળતી માહિતી મુજબ લવાછા મેળો હોળી દરમિયાન યોજાયો હતો. તેમાં સર્કસ, મોતનો કૂવો, બ્રેક ડાન્સ, જુદી જુદી રાઈડ્સ વગેરે કોરોના વાઈરસના કારણે આકર્ષણ જમાવી શકી નહતી અને આ વેપારીઓએ નુકસાન ઉઠાવવું પડ્યું છે.
આ સાથે જ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થઈ જતા લવાછામાં આવેલા આ વેપારીઓ એક મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં પોતાને ઘરે જઈ શક્યાં નથી. ફસાયેલા લોકોમાં કેટલાક એક જ જગ્યાએ જરૂરી સુવિધાને અભાવે બીમાર પડ્યા છે. આ લોકોને ગુજરાત સરકાર દ્વારા મેડિકલ સુવિધા અને અનાજની સુવિધા પહોંંચાડવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેકટર અને વહીવટીતંત્ર આ દિશામાં પણ ધ્યાન આપે અને મેળામાં ફસાયેલા પરિવારને મદદરૂપ થાય તેવી માગ કરી રહ્યાં છે.