- 11 માસથી બંધ દરિયા કિનારો ફરી પર્યટકો માટે ખુલ્લો મૂકાયો
- કોવિડ-19ના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાના નિયમને આધિન દરિયા કિનારો ખુલ્લો મૂકાયો
- દરિયા કિનારે સ્પીકર મૂકીને કોવિડનાં નિયમો પાળવા માટે કરાય છે એનાઉન્સમેન્ટ
વલસાડ: કોરોનાની મહામારી દરમ્યાન પર્યટકો માટે બંધ કરી દેવામાં આવેલા અનેક જાહેર સ્થળો પૈકી વલસાડ ખાતે આવેલો તિથલનો દરિયા કિનારો પણ 11 મહિના સુધી બંધ રહ્યો હતો. જેના કારણે દરિયા કિનારેથી રોજગારી મેળવનારા અનેક લોકોની રોજી બંધ થઈ ગઈ છે. થોડા દિવસ પૂર્વે જ આ અંગે કલેક્ટરને રજૂઆત કરાયા બાદ શનિવારનાં રોજ વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા તિથલનો દરિયા કિનારો કોવિડ-19ની ગાઈડ લાઇનને આધારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
![કોવિડ-૧૯નાં નિયમો સાથે તિથલ દરિયા કિનારો સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-tithalbeachopendforall-avb-gj10047_24012021213146_2401f_02890_942.jpg)
તિથલ ગામનાં સરપંચ અને ધારાસભ્ય ભરત પટેલની મૌખિક રજૂઆતો બાદ દરિયા કિનારે રોજગારી મેળવતા 150થી વધુ પરિવારોને રોજી મળે એવા હેતુથી જિલ્લા કલેક્ટર દ્વારા તિથલ દરિયા કિનારાને કોવિડ 19નાં નિયમોનાં ચુસ્તપણે પાલન કરવાની શરતે ખુલ્લો મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને પર્યટકોએ તેમજ રોજગારી મેળવનારા તમામે નિર્ણયને વધાવીને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે વલસાડનાં તિથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં પરિવારજનો ફરજિયાત માસ્ક પહેરીને ફરતા જોવા મળ્યા હતા.