- ગુજરાતમાં હજુ સુધી એકપણ જિલ્લામાં ઘાસની તંગી નથી
- દુષ્કાળમાં વલસાડથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘાસ મોકલવામાં આવે છે
- વલસાડ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ થાય છે
વાપી: વલસાડ જિલ્લો ઘાસચારાના મબલખ ઉત્પાદન માટે જાણીતો છે. દુષ્કાળ દરમ્યાન કચ્છ-સૌરાષ્ટ્રમાં વલસાડથી 1 લાખ કિલો ઘાસ મોકલવામાં આવે છે. જોકે, ગત ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસતા આ વર્ષે એકપણ અછતગ્રસ્ત જિલ્લામાં ઘાસ મોકલવાની કે ઘાસ એકત્ર કરવાની નોબત આવી નથી.
આ વર્ષે એક પણ જિલ્લાને ઘાસ મોકલાયું નથી
વર્ષ 2020-2021માં ગુજરાતમાં હજુ સુધી એકેય જિલ્લામાં ઘાસની તંગી સર્જાઈ નથી. આ વર્ષે વલસાડ જિલ્લામાંથી હજી સુધી એકપણ જિલ્લામાં ઘાસ મોકલવામાં આવ્યું નથી. આ અંગે વલસાડ દક્ષિણ વનવિભાગના નાયબ વનસંરક્ષક રૂપક સોલંકીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે હજુ સુધી કોઈપણ જિલ્લામાં ઘાસની તંગી સર્જાઈ નથી. એટલે વલસાડ જિલ્લામાંથી ઘાસ એકત્ર કરી મોકલવાની નોબત આવી નથી.
2018-19માં 2 લાખ કિલો ઘાસ મોકલાવ્યું હતું
વલસાડ જિલ્લામાંથી દુષ્કાળ દરમ્યાન વનવિભાગ દ્વારા ઘાસ એકત્ર કરી ટ્રક કે ટ્રેન મારફતે કચ્છ-સૌરાષ્ટ્રમાં ઘાસની ગાંસડીઓ મોકલવામાં આવતી હોય છે. પરંતુ, ગત વર્ષના ચોમાસામાં કચ્છ-સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો. એટલે ઘાસની તંગી ઉભી થઇ નથી. જો કે વર્ષ 2018-19માં વલસાડ જિલ્લાના ઉત્તર વનવિભાગ અને દક્ષિણ વનવિભાગની રેન્જમાંથી 1 લાખ કિલો ઘાસ એકત્ર કરવામાં આવ્યું હતું. જ્યારે 1 લાખ કિલો ઘાસ ડાંગમાંથી એકત્ર કરી કચ્છ સૌરાષ્ટ્રમાં કુલ 2 લાખ કિલો ઘાસ મોકલવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત ચોમાસુ સારું ગયું હતું
નાયબ વનસંરક્ષક આર. બી. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં અન્ય જિલ્લાઓની જેમ વિડી નથી. અહીંનો વનવિસ્તાર મોટેભાગે જંગલી વૃક્ષોથી આચ્છાદિત વિસ્તાર છે. જેમાં કૂદરતી રીતે ખૂબ સારા પ્રમાણમાં ઘાસનું ઉત્પાદન થાય છે. પરંતુ તેનું એકત્રીકરણ કરવામાં આવતું નથી. સામાન્ય સંજોગોમાં જો અછતગ્રસ્ત જિલ્લામાંથી ઘાસની માગ ન આવે તો વનવિભાગ હસ્તકના વિસ્તારમાં સ્થનિક પશુપાલકો પોતાના પશુઓ માટે ઘાસ એકત્ર કરીને પશુઓનો નિભાવ કરે છે.