- પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા મહિલાઓ માટે કાર્યક્રમ
- 51 જેટલી વિધવા મહિલાઓને વિશેષ શ્રૃંગાર કર્યો હતો
- પૂજા વ્યાસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા
વલસાડ : ધરમપુરમાં છેલ્લા કેટલાક સમયથી સામાજિક કામગીરી કરતા પહેલ ચેરીટેબલ ટ્રસ્ટના ઋષિતભાઈ મસરાણી અને તેમના પત્ની પૂર્વબેન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધવા બનેલી બહેનો અને આદિવાસી વિસ્તારની ત્યજી દેવામાં આવેલી કેટલીક મહિલાઓના જીવનમાં સમાજ દ્વારા ઘડવામાં આવેલા કેટલાંક રૂઢિચુસ્ત નિયમોમાંથી બહાર કાઢવા આ આયોજન કર્યું હતું. તેમને જીવનમાં અનેક રંગો ભરવા માટે નારી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, આ તમામ કાર્યક્રમમાં વિધવા મહિલાઓ એક જ ડ્રેસ કોડમાં શૃંગાર કરીને હાજરી આપાવી હતી તથા આ તમામ મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન તરીકે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્લાસિક 2018ની પૂજા વ્યાસ
બ્રાહ્મણ પંચની વાડીમાં આયોજિત નારી સન્માન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્લાસિક 2018 પૂજા વ્યાસે ને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂજા વ્યાસે ETV ભારત સાથે વિશેષ વાતચીત કરી હતી. આ વાતચીતમાં જણાવ્યું હતું કે, મહિલાઓને ક્યારેય તેમના કપડાંથી ઓળખવી જોઇએ નહીં. મહિલા હંમેશા પુરુષ કરતાં આગળ રહી છે. પુરુષ હોય કે ન હોય એ હમેશા આગળ રહે છે. પરંતુ વિધવા મહિલાઓ માટે સમાજે ઘડી કાઢેલા કેટલાક નિયમોમાં આજે પણ અનેક મહિલાઓ રહે છે. પરંતુ વાસ્તવિક જિંદગી આવી મહિલાઓને માટે એકમાત્ર સ્વપ્ન બની રહેતું હોય છે. ત્યારે આવી મહિલાઓના જીવનમાં રંગ ભરવા માટે પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલ કરવામાં આવી છે.
મહિલાઓ સ્ટેજ ઉપર જ અશ્રુભીની થઇ ગઇ હતી
અનેક મહિલાઓ આજે શૃંગાર કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ હતી કેટલાક વર્ષો બાદ આ મહિલાઓએ શૃંગાર કર્યો હતો અને તમામ લોકોની સામે આવી હતી. જે બાદ ઉપસ્થિત થયેલા મહેમાનોના હસ્તે આ મહિલાઓને તેમની કામગીરી બાબતે બિરદાવવામાં આવી હતી અને સન્માનિત કરવામાં આવી હતી. જેને લઇને મહિલાઓ સ્ટેજ ઉપર જ આંખો અશ્રુભીની કરતી પણ જોવા મળી હતી.
મહિલાઓએ ઉત્સાહપૂર્વક રેડ કાર્પેટ ઉપર કેટ વોક કર્યું
આ કાર્યક્રમની પૂર્ણાહુતિના સમયે ઉપસ્થિત રહેલા અતિથિવિશેષ એવા વ્યાસની સાથે આ તમામ મહિલાઓએ ઉત્સાહપૂર્વક રેડ કાર્પેટ ઉપર કેટ વોક પણ કર્યું હતું. જેને લઇને ઉપસ્થિત રહેલી મહિલાઓમાં ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
51 જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું
ધરમપુરના પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા મહિલાઓ માટે તેમના જીવનમાં નવા રંગ પૂરવા માટે તેમજ તેમની કામગીરીને બિરદાવી સન્માનિત કરવા એક વિશેષ અને અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અનેક અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમ દરમિયાન 51 જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.