વલસાડના કૈલાસ રોડ ખાતે રહેતા જીનલબેન જયકુમાર જોબનપુત્રા પેટના દુ:ખાવાની ફરિયાદ સાથે ગત તારીખ 5ના રોજ વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને સિઝેરિયન ડીલીવરી કરાવી હતી એમની ડિલિવરી બાદ તેમણે એકસાથે ચાર જેટલા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક પુત્રી અને ત્રણ પુત્ર સામેલ છે. આ ત્રણે બાળકો સાતમા મહિને ડીલેવરી થવાને કારણે નાજુક હાલતમાં હોય તેઓને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં પ્રથમ વાર એવો કિસ્સો સામે આવ્યો છે કે, એક મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે. જેને લઈને હોસ્પિટલ સંચાલકોમાં કુતૂહલ સાથે આશ્ચર્ય સર્જાયું છે તો સાથે સાથે આ નાના બાળકોને જોવા માટે હોસ્પિટલનો સ્ટાફ પણ ઉત્સાહિત બન્યો હતો.
જીનલબેને વાતચીત કરતા જણાવ્યું કે, તેમના લગ્નના પાંચ વર્ષ બાદ ભગવાને તેમના ખોળે સંતાન દીધા છે પરંતુ તેમને ખ્યાલ નહોતો કે ભગવાન તેમના ઉપર આશીર્વાદ સ્વરૂપે એક સાથે ચાર જેટલા બાળકોને મોકલશે. બાળકો હાલ સારવાર હેઠળ છે અને તેઓની સારવાર ચાલી રહી છે.
આ સમગ્ર બાબતે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હર્ષા ટંડેલે જણાવ્યું કે, મહિલા જ્યારે આવી હતી ત્યારે પેટના દુ:ખાવા સાથે હોસ્પિટલમાં દાખલ થઇ હતી અને જે બાદ તપાસ કરતાં ખબર પડી કે, તેને ચાર બાળકો છે અને સાતમો મહિનો ચાલી રહ્યો છે તેને ધ્યાને રાખી તેનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું. હાલ આ તમામ બાળકોને ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.