વલસાડઃ જિલ્લામાં આવેલી નગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઇ હતી. જેમાં પાલિકા પ્રમુખ તરીકે કિન્નરીબેન પટેલે વિજય મેળવ્યો હતો. ભાજપની બહુમતિને કારણે સર્વાનુમતે થયેલી વરણી બાદ તેમને વિજય જાહેર કરવામાં આવ્યા હતા. આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે નવા પ્રમુખ તરીકે કિન્નરીબેન પટેલની વરણી કરવામાં આવી હતી. તો બીજી તરફ ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ ભંડારીની વરણી કરાઈ હતી.
ભારતીય જનતા પાર્ટીના આ બંને પ્રમુખ ઉપપ્રમુખે વલસાડ પાલિકામાં વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા પ્રમુખ કિન્નરીબેન પટેલે જણાવ્યું કે, વલસાડ વાસીઓના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને તેઓ અગ્રીમતાના ધોરણે ધ્યાન પર લઈ સમાધાન કરવા માટે કામગીરી કરશે.
તો સાથે સાથે ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારમાં ધોવાઈ ગયેલા રોડ અને ડ્રેનેજની સમસ્યા અંગે પણ પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરશે. જેથી વલસાડ વાસીઓને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી રહે છે.