વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાને પગલે સમગ્ર ભારત દેશમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. તેમજ આગામી દિવસોમાં પણ લોકડાઉન વધે એવી શકયતાઓ સર્જાઈ રહી છે, ત્યારે કોરોના જેવી બીમારીથી બચવા માટે સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ્લિકેશન તમામ લોકોને ડાઉનલોડ કરવા માટે જણાવ્યું છે. જેના દ્વારા તમારી આસપાસમાં રહેલા કોરોના પોઝિટિવની જાણકારી મેળવી શકાય.
જો કે, કેટલાક લોકો દ્વારા તેમની માહિતી ભરવામાં ભૂલ થઇ જાય છે. તો કેટલાક લોકોએ અન્યનો નંબર તેમાં નાખ્યો હોવાથી વલસાડ જિલ્લામાં આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં હાલ ત્રણ જેટલા પોઝિટિવ કેસ દર્શાવવામાં આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આ હકીકત યોગ્ય ન હોવાનું જણાવી જાહેર જનતા માટે ખુલાસો કરી જણાવ્યું છે કે, આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં જે ત્રણ નામો પોઝિટિવ બતાવવામાં આવ્યા છે તે કેટલીક ટેકનિકલ ખામીને કારણે છબરડો થયો હોવાનું બહાર આવ્યું છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના કુલ છ જેટલા કેસો નોંધાયા છે. જેમાં એકનું મોત થયું છે. જો કે, સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ્લિકેશન તમામ લોકોને પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરવા સૂચન કરવામાં આવ્યું હોય જેથી કરીને તેમની આસપાસના વિસ્તારમાં કોરોના પોઝિટિવની સંખ્યા જાણી શકાય. વલસાડ જિલ્લામાં આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં હાલ વધુ ત્રણ જેટલા કેસો પોઝિટિવ દર્શાવવામાં આવી રહ્યા છે તેને પગલે આરોગ્ય વિભાગમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું હતું, પરંતુ સમગ્ર બાબતે સઘન તપાસ કરતા બહાર આવ્યું કે, કેટલાક લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે પોતાના નંબરોની જગ્યાએ અન્યના નંબર તો કેટલાક સ્થળે પોઝિટિવ કેસ આવ્યા હોય તેઓના ઘરમાં જ રહેતા હોય એવા નામો પણ આ એપ્લિકેશન ખોટી રીતે દર્શાવી રહી છે. જેને પગલે આજે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા એક પ્રેસનોટ બહાર પાડી ખુલાસો કરવાની ફરજ પડી છે.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટમાં જણાવ્યા મુજબ કરણ ઠાકોરભાઈ પટેલ (રહેવાસી ડુંગળી) જેનો ભાઈ યશ ઠાકોરને થોડા દિવસ પૂર્વે કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેણે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ બ્લુટુથ ડિવાઇસથી એક જ ઘરમાં રહેતા વ્યક્તિને કોરોના પોઝિટિવ હોવાનું દર્શાવી રહ્યું છે. જે તદ્દન ખોટુ છે, જ્યારે નિમેષ શાહ રહેવાસી ચાણોદ કોલોની જેઓ ઈએસઆઈસી હોસ્પિટલમાં નર્સીંગમાં ફરજ બજાવે છે તેમના પિતાનું અવસાન થતાં તેઓ અમદાવાદ ખાતે ગયા હતા તેમની પત્નીને કોરોના પોઝિટિવ આવતા તેમણે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં સંપર્ક નંબરમાં નિમેષ શાહનો નંબર નાખ્યો હતો.
જેના કારણે આરોગ્ય સેતુ એપ્લિકેશન નિમેષ સામે પોઝિટિવ હોવાનું દર્શાવી રહ્યું છે. જો કે, હકીકતમાં જયશ્રીબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ અમદાવાદ ખાતે હીરાવાડી બાપુનગરમાં આ કેસ નોંધાયો છે, જ્યારે બીજા કિસ્સામાં પ્રિયાંક મુકેશ પટેલ વાપી નમદા કોળીવાડ તેમણે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે સેલ્ફ એસેસમેન્ટ કેસના ઓપ્શનમાં માહિતી ભરી ગોટાળો કર્યો હતો. જેના કારણે આરોગ્ય સેતુ એપ્લિકેશન તેમને પણ કોરોના પોઝિટિવ દર્શાવી રહી છે. આ ત્રણે કહેશો કેટલીક ટેકનિકલ ખામીના કારણે કોરોના પોઝિટિવ હોવાનું દર્શાવવામાં આવી રહ્યો છે.
પરંતુ હકીકતમાં આ ત્રણે કેસો જિલ્લામાં પોઝિટિવ નોંધાયા નથી. આમ આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા થયેલા છબરડાને ધ્યાને લઇ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ વલસાડ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડી સમગ્ર માહિતી લોકો સમક્ષ રજૂ કરી છે.